ટ્રાફિક મેમોના તમામ રેકોર્ડ તૂટ્યાં, ઓડિશામાં ટ્રક માલિકને રૂ. 6 લાખનો દંડ થયો

તસવીર : પીટીઆઈ

ઓડિશા ટ્રાન્સપોર્ટ વિભાગે સાત નિયમોના ભંગ બદલ એક ટ્રક માલિકને રૂ. 6,53,100નો દંડ ફટકાર્યો હતો.

 • Share this:
  દેશમાં પ્રથમ સપ્ટેમ્બર 2019થી નવો મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act 2019) લાગૂ થઈ ગયો છે. આ એક્ટમાં ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ દંડની રકમ અનેક ગણી વધારી દેવામાં આવી છે. આ દરમિયાન ઓડિશામાં અત્યાર સુધીનો સૌથી મોટો મેમો (દંડ) આપવામાં આવ્યાના સમાચાર સામે આવ્યા છે. કસંબલપુરમાં ટ્રાફિકના નિયમના ભંગ બદલ એક ટ્રક માલિકને રૂ. 6,53,100નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઓડિશા ટ્રાન્સપોર્ટ વિભાગે સાત નિયમોના ભંગ બદલ એક ટ્રક માલિકને મેમો આપ્યો હતો.

  રિપોર્ટ પ્રમાણે ટ્રક માલિક શૈલેષ શંકર લાલ ગુપ્તાએ છેલ્લા પાંચ વર્ષથી ટેક્સ ભર્યો ન હતો. સાથે જ તે સતત ટ્રાફિકના નિયમો તોડી રહ્યો હતો. ઓડિશા પરિવહન વિભાગે જનરલ ઑફેન્સ, હવા અને ધ્વની પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન, વીમા સહિત ટ્રાફિકના અનેક નિયમોના ભંગ બદલ ટ્રક માલિકને ભારે દંડનો મેમો પકડાવ્યો હતો.

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રાફિક પોલીસે ટ્રકના ડ્રાઇવરને ઓડિશાના સાંબલપુર ખાતે રોક્યો હતો અને દસ્તાવેજો માંગ્યા હતા. જે બાદમાં અલગ અલગ ગૂના માટે તેને દંડ ફટકારવામાં આવ્યો છે.

  નોંધનીય છે કે નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવ્યા બાદ દેશભરમાંથી ભારે દંડના મેમો મળ્યાં હોય તેવા અનેક બનાવો સામે આવી રહ્યા છે.

  શુક્રવારે દિલ્હીમાં એક ડ્રાઇવરના ટ્રાફિકના વિવિધ નિયમો તોડવા બદલ રૂ. બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં ઓવરલોડિંગ અને ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવાનો સમાવેશ થતો હતો.

  રાજસ્થાનના એક ટ્રક ડ્રાઇવરને દિલ્હીમાં ટ્રાફિકના વિવિધ નિયમો તોડવા બદલ રૂ. 1.41 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

  નોંધનીય છે કે 31મી જુલાઈના રોજ સંસદે મોટર વ્હીકલ (સુધારા) બીલ 2019 પાસ કર્યું હતું. જે પ્રમાણે ટ્રાફિકના નિયમો ભંગ બદલ નિયમો વધારે આકરા બનાવવામાં આવ્યા છે, તેમજ દંડની રકમમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. આ બિલ પહેલી સપ્ટેમ્બરથી આખા ભારતમાં અમલી બન્યું છે. જોકે, અનેક રાજ્યોએ હજુ સુધી આ બિલ લાગૂ કર્યું નથી.
  Published by:Vinod Zankhaliya
  First published: