વન્યજીવોની દેશમાં ખરાબ હાલત થઇ રહી છે તેના વધુ એક સમાચાર આવ્યા છે. ઉત્તરપ્રદેશનાં એક ગામમાં એક વાઘણને માણસને મારી નાંખતા સ્થાનિક લોકો ગુસ્સે ભરાયા હતા અને એ વાઘણ પર ટ્રેક્ટર ચઢાવીને મારી નાંખી હતી.
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ ઘટના દુધવા ટાઇગર રિઝર્વની બાજુમાં બની હતી. વાઘણે એક માણસ પર હુમલો કર્યો હતો અને ગુસ્સે ભરાયેલા લોકો ટાઇગર રિઝર્વમાં ઘુસી ગયા હતા અને ફોરેસ્ટ ગાર્ડને માર માર્યો હતો અને ફોરેસ્ટ વિભાગનું ટ્રેક્ટર આંચકી લીધુ હતું અને 10 વર્ષની ઉંમરની વાઘણ પર ચઢાવી દીધુ હતું. ગામ લોકોએ વાઘણ પર ગુસ્સો ઠાલવ્યો હતો.
વન વિભાગે કહ્યુ કે, દશ વર્ષમાં વાઘણે ક્યારેય માણસો પર હુમલા કર્યા નથી. સ્થાનિક લોકોએ એમ કહ્યું કે, વાઘણ છેલ્લા બે અઠવાડિયાથી તેમના માલઢોર પર હુમલાઓ કરે છે અને તેઓ ગભરાઇ ગયા હતા અને આ વિશે તેમણે વન વિભાગને જાણ પણ કરી હતી. છેલ્લા એક એક અઠવાડિયામાં બે વાઘણને મારી નાંખવામાં આવતા ફરી એક વખત વાઘોનાં સરંક્ષણ મામલે ચર્ચા જાગી છે. અભિનેતા રણદિપ હુડાએ ગામ લોકોએ મારી નાંખેલી વાઘણનો ફોટો ટ્વીટ કર્યો હતો.
રવિવારે કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધીએ મહારાષ્ટ્રની ભાજપ સરકાર પર પિત્તો ગુમાવ્યો હતો . કેમ કે, મહારાષ્ટ્ર સરકારે અવની નામની વાઘણને મારી નાંખી હતી.