મધુબની : બિહાર (Bihar)માં એક યુવકને મહોલ્લાની યુવતી સાથે પ્રેમલગ્ન (Love Marriage) કરવાનું ભારે પડી ગયું છે. પુત્રી સાથે યુવકે પ્રેમલગ્ન કરતા સાસરિયાઓએ નવા જમાઈ પર ઉકળતું તેલ ફેંક્યું હતું. એટલું જ નહીં દીકરીના પ્રેમ લગ્નના મુદ્દે રોષે ભરાયેલા પરિવારજનો વચ્ચે મારામારી થતાં આ ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. માર મારવાની અને ઉકળતું તેલ ફેંકવાની આ ઘટના બિહારના મધુબની જિલ્લા (Madhubani District)ની છે.
તરસરાય બજારના રહેવાસી કરણ સાવને આવકાર અને આદર મેળવવાથી તદ્દન વિપરીત અનુભવ થયો હતો. કરણના સાસરિયાઓએ જે કર્યું તે સાંભળીને તમે દંગ રહી જશો. પાનની દુકાન ચલાવતા 26 વર્ષીય કરણ સાવનું તેના પડોશમાં રહેતી 22 વર્ષની મુન્ની કુમારી સાથે છેલ્લા 4 વર્ષથી અફેર હતું. બંનેના પરિવારજનોને આ પ્રેમસંબંધની જાણ હતી, પરંતુ પુત્રીના આગ્રહ છતાં યુવતીના પરિવારજનો લગ્ન કરવા તૈયાર ન હતા. જેથી આ પ્રેમી યુગલે 4 મેના રોજ ઘરેથી ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા હતા.
છોકરા પક્ષે લગ્ન મંજૂર કર્યા અને પુત્ર અને પુત્રવધૂને ઘરે લઈ આવ્યા, પરંતુ છોકરી પક્ષને આ લગ્ન પસંદ ન આવતાં લગ્ન બાદ બંને પરિવારો વચ્ચે બોલાચાલી થવા લાગી હતી. આખરે છોકરી પક્ષનો ગુસ્સો એટલો વધી ગયો કે તેમણે પોતાની દીકરીના નવા વર એટલે કે જમાઈ પર ઉકળતું તેલ અને ગરમ પાણી ફેંકી દીધું. આ હુમલામાં જમાઈ કરણ સાવ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઘટનાની માહિતી મળતા જ છોકરાના પરિવારના સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પછી સ્થિતિ બંને પક્ષો વચ્ચે મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનામાં નવપરિણીત યુગલ સહિત છોકરા પક્ષના 5 લોકો ઘાયલ થયા હતા.
હાલ તમામ ઇજાગ્રસ્તોને પંડૌલ પીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ હોસ્પિટલ પહોંચી અને ઇજાગ્રસ્તોના નિવેદનના આધારે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર