અયોધ્યા પહોંચ્યા હજારો શિવસૈનિકો અને VHP કાર્યકરો, કલમ 144 લાગૂ

અયોધ્યા પહોંચેલા શિવસૈનિકો

શનિવારે 'આશીર્વાદ ઉત્સવ' અને રવિવારે 'ધર્મસભા' માટે હજારોની સંખ્યામાં શિવસૈનિકો અને વીએચપી કાર્યકરો અયોધ્યા પહોંચી ગયા છે.

 • Share this:
  અયોધ્યાઃ મુંબઈથી શિવસૈનિકોને લઈને એક વિશેષ ટ્રેન શુક્રવારે અયોધ્યા પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે 22 ડબ્બાઓ સાથેની આ વિશેષ ટ્રેનમાં આશરે બે હજાર શિવસૈનિકો અયોધ્યા પહોંચી ગયા છે. સાથે જ વીએચપીના પણ હજારોની સંખ્યામાં કાર્યકરો અયોધ્યા પહોંચી ગયા છે. ટ્રેનથી પહોંચેલા તમામ લોકો મુંબઈના થાણા જિલ્લાના રહેવાસી છે. ટ્રેનમાંથી ઉતરતાની સાથે જ શિવસૈનિકોએ સ્ટેશન પર જય શિવાજી, જય ભવાનીના નારા લગાવ્યા હતા. આ તમામ શિવ સૈનિકોનું કહેવું છે કે તેઓ પીએમ નરેન્દ્ર મોદીને જગાડવા માટે અહીં આવ્યા છે. તેમનું કહેવું હતું કે જો પીએમ મોદી રામ મંદિરના નિર્માણ માટે કંઈ નહીં કરે તો શિવસેના એકલી જ રામ મંદિરનું નિર્માણ કરવા માટે સક્ષમ છે.

  કાયદો વ્યવસ્થાને જાળવી રાખવા માટે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરી દેવામાં આવ્યા હતા. અયોધ્યામાં કલમ 144 પણ લાગૂ કરી દેવમાં આવી છે. શનિવારે અયોધ્યામાં સ્કૂલો અને કોલેજો બંધ રહી છે. શહેરમાં આશરે 50 જેટલા સુરક્ષા કેમ્પ લગાવવામાં આવ્યા છે. આ પહેલા શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે શુક્રવારે અયોધ્યામાં કહ્યું હતું કે અમે 17 મિનિટમાં બાબરી મસ્જિદને તોડી નાખી હતી, તો મોદી સરકાર રામ મંદિર બનાવવામાં આટલી વાર કેમ લગાડી રહી છે? અહીં તેમણે 'પહેલા મંદિર પછી સરકાર'નો નારો આપ્યો હતો.

  આ પણ વાંચોઃ અયોધ્યામાં 1992 જેવી સ્થિતિ: ડરેલા સ્થાનિકો એકત્ર કરી રહ્યા છે વધારાની ખાદ્યસામગ્રી

  અયોધ્યમાં ધર્મસભાનું આયોજન

  અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદે રવિવારે 'ધર્મસભા'નું આયોજન કર્યું છે. જ્યારે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 'આશીર્વાદ ઉત્સવ' માટે આજે અયોધ્યા પહોંચી રહ્યા છે. વીએચપીએ દાવો કર્યો છે કે ધર્મસભામાં એક લાખથી વધારે લોકો સામેલ થશે. મંદિર નિર્માણ માટે દબાણના ઉદેશ્ય સાથે આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાંજે પાંચ વાગ્યે સરયૂ નદીની આરતીમાં સામેલ થશે. ઠાકરે સાથે સરયૂ નદીની આરતીમાં સામેલ થવા માટે અનેક શિવસૈનિકો પણ અયોધ્યા પહોંચી ગયા છે.

  આ પણ વાંચોઃ અમે 17 મિનિટમાં પાડી દીધી હતી બાબરી મસ્જિદ, કાયદો લાવવામાં મોડુ કેમ: શિવસેના

  બીજી તરફ વીએચપીએ ટ્રેન, ટ્રક, બસ અને ટેક્સીઓના માધ્યમથી હજારો કાર્યકરોને ધર્મસભા માટે અયોધ્યામાં બોલાવવાના શરૂ કરી દીધા છે. સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે રેલવે સ્ટેશન પર મોટા પ્રમાણમાં પોલીસ બળ તહેનાત કરી દેવામાં આવ્યું છે.

  ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે અયોધ્યામાં સેનાને તહેનાત કરવાની માંગણી કરી છે. અખિલેશ યાદવનું કહેવું છે કે નરેન્દ્ર મોદી સરકાર કોઈ પણ હદે જઈ શકે છે. અખિલેશે જણાવ્યું કે બીજેપીને સુપ્રીમ કોર્ટ કે બંધારણ બંનેમાંથી કોઈમાં વિશ્વાસ નથી.
  Published by:Vinod Zankhaliya
  First published: