નવી દિલ્હી : કોંગ્રેસની હાર લોકસભા (Lok Sabha)ની સાથે રાજ્યસભા (Rajyasabha)માં પણ થઇ રહી છે. રાજ્યસભાની 13 બેઠકો માટે 31 માર્ચે ચૂંટણી (Rajysabha Election) યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ માત્ર એક જ બેઠક જીતી શકી હતી. ત્યારબાદ 4 એપ્રિલ સુધીના રાજ્યસભાની વેબસાઇટ પરના અપડેટ મુજબ સંસદના ઉપલા ગૃહમાં કોંગ્રેસ (Congress)ની બેઠકો ઘટીને 30 થઈ ચૂકી છે.
ઉપલા ગૃહમાં આટલી ઓછી બેઠકો હોય તેવું કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. એટલું જ નહીં આગામી કેટલાક મહિનામાં રાજ્યસભાની બેઠકમાં વધુ ઘટાડો થઇ શકે છે. કોંગ્રેસ સદનમાં સૌથી મોટો પક્ષ પણ ન રહે અને વિપક્ષના નેતાનું પદ બીજા પક્ષમાં જતું રહે તેવું પણ બની શકે. જો આમ થશે તો ઇતિહાસમાં પહેલીવાર સંસદ (Parlement)ના બંને ગૃહોમાં વિપક્ષના નેતાનું પદ ખાલી પડી શકે છે.
ગત ગુરુવારે જ રાજ્યસભાના 72 સભ્યોની અવધિ પૂર્ણ થઈ ગઈ છે. જેમાંથી 62 બેઠકો પર જુલાઈ સુધીમાં મતદાન થશે. આ બેઠકો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર, કર્ણાટક, ઓડિશા અને મધ્ય પ્રદેશની છે. આ 62 બેઠકોમાંથી 30 બેઠકો ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈ વખતે જીતી હતી. ભાજપને વિશ્વાસ છે કે તે ફરી આટલી જ બેઠકો જીતશે. જોકે છ વર્ષ પહેલાની સરખામણીએ હવે રાજસ્થાનમાં ભાજપની નહીં પરંતુ કોંગ્રેસની સરકાર છે. તેથી ત્યાંથી તેને થોડું નુકસાન થઈ શકે છે. બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર રાજસ્થાન તરફથી જ આશા છે. અન્ય રાજ્યોમાં તેની સ્થિતિ નબળી છે.
જુલાઈ સુધીમાં કોંગ્રેસ 10 બેઠકો ગુમાવી શકે
પંજાબમાંથી સાત બેઠકો ખાલી થઈ રહી છે. આ બેઠક અત્યાર સુધી કોંગ્રેસ પાસે હતી. પરંતુ હવે બધી જ પંજાબમાં નવી સરકાર બનાવનાર આમ આદમી પાર્ટી (AAP)ને જઈ રહી છે. આ પાંચેય આપ જીત ચુકી છે. બાકીની 2 પર જુલાઈમાં ચૂંટણી યોજાવાની છે. પંજાબમાંથી કોંગ્રેસને 3 સીટનું નુકસાન થઈ રહ્યું છે.
ઉત્તર પ્રદેશ પણ જુલાઈ સુધીમાં 11 બેઠકો ખાલી થઈ રહી છે. તેમાંથી સૌથી વધુ બેઠક ભાજપ તરફ જઈ રહી છે. ભાજપે સતત બીજી વખત રાજ્યમાં બહોળી બહુમતી સાથે સરકાર બનાવી છે. ત્યારબાદ એસપીનો નંબર આવશે. અહીંથી કોંગ્રેસને 1 અને બસપાને 2 સીટનું નુકસાન થવાનું છે. કોંગ્રેસે આસામની 2 અને હિમાચલ પ્રદેશની 1 સીટ ગુમાવવી પડી છે. ઉત્તરાખંડમાં પણ ભાજપ બહુમતી સાથે પરત ફર્યો છે. જેથી ત્યાંથી પણ કોંગ્રેસની 1 બેઠક જઈ રહી છે. તે ભાજપના જ ખાતામાં જશે. આ રીતે જુલાઈ સુધીમાં રાજ્યસભામાં કોંગ્રેસને 8-10 સીટનું નુકસાન થઈ શકે છે. એટલે કે તેની બેઠકો ઘટીને 20-22ની આસપાસ થઈ શકે છે.
પહેલીવાર સંસદના બંને ગુહોમાં વિપક્ષના નેતાનું પદ ખાલી?
રાજ્યસભાના નિયમો અનુસાર જે પક્ષ પાસે પાસે સદનના સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 10 ટકા સભ્યો હોય તેને જ સદનમાં વિપક્ષના નેતાનું પદ મળે છે. અત્યારે રાજ્યસભાના સભ્યોની સંખ્યા 243 છે. જેથી નિયમ મુજબ વિપક્ષી નેતાને ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછા 24-25 સભ્યો હોવા જોઈએ. આ રીતે જોઈએ તો જુલાઈ સુધીમાં કોંગ્રેસનું સભ્યપદ ઘટીને 20-22ની આસપાસ થઈ જાય તો બંને ગૃહમાં વિપક્ષના નેતાનું પદ કદાચ ઈતિહાસમાં પહેલી વાર ખાલી પડે તેવું બની શકે છે. લોકસભા (Lok Sabha Elections)માં પણ આવી સ્થિતિ છે. કોંગ્રેસ (53 સભ્યો) સહિત કોઈ પણ પક્ષ લોકસભાની કુલ સંખ્યાના 10 ટકા (54-55ની નજીક) બેઠક જીતી શક્યો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર