કોરોના મૃતકોને અંતિમવિધિ માટે લઈ જવાનું કામ કરતા આરિફનું નિધન, રાષ્ટ્રપતિએ પરિવારને આપી બે લાખ રૂપિયાની સહાય

કલેક્ટરે આરિફ ખાનના ઘરે જઈને ચેક અર્પણ કર્યો.

દિલ્હીમાં કોરોના પીડિતોના મૃતદેહ અંમિત સંસ્કાર માટે પહોંચાડવા દરમિયાન આરિફ ખાન કોરોના સંક્રમિત થયો હતો, આરિફે છ મહિનામાં 200 કોરોના દર્દીઓના મૃતદેહને અંમિત સંસ્કાર માટે પહોંચાડ્યા હતા.

 • Share this:
  નવી દિલ્હી: ગત શનિવારે એટલે કે 10મી ઓક્ટોબરના રોજ એક કોરોના વૉરિયર (Corona Warrior)ના નિધનના દુઃખદ સમાચાર આવ્યા હતા. આ કોરોના વૉરિયર 48 વર્ષીય આરિફ ખાન હતો. ખાન છેલ્લા છ મહિનાથી કોરોનામાં મોતને ભેટતા લોકોનાં મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જતો હતો. ખાન પોતાની એમ્બ્યુલન્સમાં કોરોનાને કારણે મોતને ભેટતા લોકોને હૉસ્પિટલમાંથી અંતિમવિધિના સ્થળ સુધી લઈ જતો હતો. આ દરમિયાન તે પોતાને કોરોના સંક્રમિત થયો હતો અને 10મી ઓક્ટોબરના રોજ રાજધાની દિલ્હીની હિન્દુ રાવ હૉસ્પિટલમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર બાદ અનેક ન્યૂઝ પેપરોએ ખાનના પરિવારને મદદ માટેની અપીલ કરી હતી. આ વાત દેશના રાષ્ટ્રપતિના ધ્યાનમાં આવતા તેમણે કોરોના વૉરિયરની પત્નીને બે લાખ રૂપિયાનો સહાય ચેક અર્પણ કર્યો છે.

  17મી તારીખના રોજ શહદ્રાના કલેક્ટરે બે લાખ રૂપિયાનો ચેક અને મોહમ્મદ આરિફ ખાનના ઉત્કૃષ્ઠ કામને બિરદાવતો એક પત્ર ખાનની વિધવા સુલતાના આરિફને તેમના ઘરે જઈને આપ્યો હતો. ખાનના પરિવારમાં પત્ની બે બાળકો અને બે દીકરી છે.

  આ પણ વાંચો: શું ફાફડા-જલેબીના વેચાણ માટે આવશે નવી ગાઈડલાઈન? દશેરાને લઈને તંત્રની કસરત વધી

  ખાન પોતાના પરિવારથી દૂર 28 કિલોમીટર દૂર એક જગ્યા પર પોતાની એમ્બ્યુલન્સમાં જ ઊંઘી રહેતો હતો. ખાન શહીદ ભગતસિંહ સેવા દળ સાથે જોડાયેલો હતો, જે દિલ્હી-NCRમાં મફતમાં એમ્બ્યુલન્સ સેવા આપે છે. આ સેવા 24x7 કલાક શરૂ રહે છે, અને ખાસ તો કોરોનાને કારણે કોઈનું નિધન થાય તો લોકો અંતિમ સંસ્કાર માટે તેમનો સંપર્ક કરે છે.  શહીદ ભગતસિંહ સેવા દળ સાથે જોડાયેલો ખાન હંમેશા કોવિડ 19ને કારણે મૃતકને સારી રીતે આખરી વિદાય મળે તે માટે પ્રયાસ કરતો હતો. જોકે, વિધિની વક્રતા કહો કે અન્ય કંઈ, પરંતુ ખાનનો પરિવાર તેને આખરી વિદાય આપી શક્યો ન હતો. ખાનનો પરિવાર તેના મૃતદેહને દૂરથી જોઈ શક્યો હતો. એક અંદાજ પ્રમાણે છેલ્લા છ મહિનામાં ખાને પોતાની એમ્બ્યુલન્સ મારફતે આશરે 200 કોવિડ મૃતકોને અંતિમ સંસ્કાર માટે હૉસ્પિટલમાંથી અંતિમ સંસ્કાર સ્થળ ખાતે પહોંચાડ્યા હતા. ખાન ત્રીજી ઓક્ટોબરના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ખાનને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તેના બીજા જ દિવસે તેનું નિધન થયું હતું.

  ખાનના 22 વર્ષીય પુત્ર આદિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "તેઓ કપડાં સહિત કોઈ જરૂરી વસ્તુઓ લેવા ઘરે આવતા ત્યારે અમને તેમના દર્શન થતા હતા. પરિવારને તેમની ચિંતા રહેતી હોવાથી હું ક્યારેક તેમને જોવા માટે જતો હતો. તેઓ પોતાની સેવામાં એટલા મગ્ન રહેતા કે તેમને કોરોનાની કોઈ ચિંતા જ ન હતી. છેલ્લે તેઓ જ્યારે થોડા સમય માટે ઘરે આવ્યા હતા ત્યારે તેઓ પહેલાથી જ બીમાર લાગી રહ્યા હતા."

  રિપોર્ટ પ્રમાણે ખાનને એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે 16 હજાર રૂપિયા પગાર મળતો હતો. એટલું જ નહીં ખાન તેમના પરિવારમાં એક માત્ર કમાનાર વ્યક્તિ હતો. શહીદ ભગતસિંહ સેવા દળના સ્થાપક જીતેન્દર સિંઘે જણાવ્યું કે, ખાન મુસ્લિમ હોવા છતાં તે હિન્દુ વિધિ પ્રમાણે અંતિમ સંસ્કારમાં મદદ કરતો હતો. તે દરરોજ 12થી 14 કલાક કામ કરતો હતો. એટલું જ નહીં, રાત્રે ત્રણ વાગ્યે ફોન કરો તો પણ ખાન એમ્બ્યુલન્સ સાથે તૈયાર રહેતો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: