ચંદીગઢઃ પંજાબ (Punjab)ના પટિયાલા (Patiala)ના મોટા શાકભાજી માર્કેટ સનૌર રોડ પર રવિવાર સવારે પોલીસ (Punjab Police) પર હુમલો કરનારા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય એક આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે નિહંગ વેષધારી આ લોકોએ પોલીસની ટીમ પર તલસારથી હુમલો કરી દીધો હતો.
હુમલો કરીને ગુરુદ્વારામાં છુપાયા
અધિકારીઓ મુજબ, પોલીસ ટીમ પર તલવારોથી હુમલો કરનારા લોકો નજીકના જ એક સ્થાનિક ગુરુદ્વારામાં જઈને છુપાયા હતા. એવામાં પંજાબ પોલીસના સ્પેશલ ઓપરેશન ગ્રુપના કમાન્ડોને મોકલવામાં આવ્યા. પોલીસ મુજબ, હુમલાખોરોને પકડવા માટે ગુરુદ્વારામાં પ્રવેશ કરતી વખતે પોલીસે શીખ મર્યાદાઓનું સમગ્રપણે પાલન કર્યું. તાજેતરની જાણકારી મુજબ, ત્રણ હુમલાખોર સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુરુદ્વારામાં હજુ પણ એક અનય આરોપીને પકડવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે.
પોલીસે જણાવ્યું કે, ચાર-પાંચ નિહંગો (પરંપરાગત હથિયાર રાખનારા અને વાદળી લાંબું વસ્ત્ર પહેરનારા શીખ)નું એક જૂથ એક ગાડીમાં જઈ રહ્યું હતું અને માર્કેટ બોર્ડના અધિકારીઓએ સવાર લગભગ સવા છ વાગ્યે એક શાક માર્કેટની પાસે તેમને રોકાવા માટે કહ્યું. પટિયાલાના વરિષ્ઠ પોલીસ અધીક્ષક મનદીપ સિંહ સિદ્ધુએ કહ્યું કે, તેમને (કર્ફ્યૂ) પાસ બતાવવા માટે કહેવામાં આવ્યું પરંતુ તેઓએ પોતાની ગાડીથી દરવાજો અને ત્યાં ઊભા કરવામાં આવેલા અવરોધોને ટક્કર મારી દીધી. તેઓએ વધુમાં જણાવ્યું કે, તલવરથી એક સહાયક ઉપ નિરીક્ષક (ASI)ના હાથ કાપી દીધા. પટિયાલા પોલીસ સ્ટેશનના પ્રભારીની કોણીમાં ઈજા થઈ છે જ્યારે એક અન્ય પોલીસ અધિકારીને પણ હાથે ઈજા થઈ છે.
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં છેલ્લા 24 કલાકમાં કર્ફ્યૂ અને લૉકડાઉનના નિયમોનું પાલન કરાવી રહેલી પોલીસ ટીમો પર હુમલાની આ ત્રીજી ઘટના છે.