નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (Pranab Mukherjee)ની તબિયતમાં કોઈ સુધાર નથી જોવા મળ્યો. આર્મી હૉસ્પિટલ તરફથી જાહેર તાજેતરના મેડિકલ બુલેટિન મુજબ, તેમની હાલત હજુ પણ નાજુક છે અને તેઓ વેન્ટિલેટર પર છે. નોંધનીય છે કે, તેમને ગંભીર હાલતમાં 10 ઓગસ્ટે આર્મીની હૉસ્પિટલ (R & R Hospital) દિલ્હી કેન્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં તપાસ દરમિયાન મગજમાં લોહી જામી જવાની વાત સામે આવી અને ત્યારબાદ તેમની સર્જરી થઈ. સર્જરી બાદથી તેઓ વેન્ટિલેટર પર છે. સર્જરી પહેલા કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં તેઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આ વાત તેમણે જાતે ટ્વિટ કરીને જણાવી હતી.
પ્રણવ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે તેમની તબિયત હેમોડાઇનેમિકલી સ્થિર છે. એટલે કે તેમનું બ્લડ પ્રેશર સ્થિર છે. સાથોસાથ હાર્ટ પણ કામ કરી રહ્યું છે. જોકે આજ સવારે આર્મી હૉસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ હજુ પણ વેન્ટિલેટર પર છે અને તબિયત નાજુક છે.
પ્રણવ મુખર્જીએ સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોવિડ-19ની તપાસમાં સંક્રમિત હોવાનું સામે આવ્યું છે અને ગત એક સપ્તાહમાં સંપર્કમાં આવનારા લોકોને અપીલ કરી હતી કે પોતે આઇસોલેશનમાં જતા રહે અને કોવિડ-19ની તપાસ કરાવે. પ્રણવ મુખર્જી (84 વર્ષ)ને સોમવારે બપોરે આર્મી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સર્જરી પહેલા તેમને કોવિડ-19 પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી.
પૂર્વ રાષ્ટ્રપતિની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ એક ટ્વિટ સંદેશ શૅર કર્યો છે. તેમાં તેઓએ કહ્યું છે કે, ગયા વર્ષે 8 ઓગસ્ટ મારા માટે સૌથી ખુશીનો દિવસ હતો. તે દિવસે મારા પિતાને ભારત રત્ન મળ્યો હતો. ઠીક એક વર્ષ બાદ 10 ઓગસ્ટે તેઓ ગંભીર રીતે બીમાર પડી ગયા. ભગવાન એવું કરે જે કંઈપણ તેમના માટે સારું હોય. ભગવાન તેમને જીવનના સુખ અને દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું ઈમાનદારીથી તેમની ચિંતા કરવા માટે તમામનો આભાર માનું છું.
લોહી જામી જવાના કારણે સોમવારે પૂર્વ રાષ્ટ્રપિતની બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદથી તેમની હાલત નાજુક છે. પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે ગંભીર સ્થિતિમાં દિલ્હી છાવણી સ્થિત આર્મીની આર એન્ડ આર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિભિન્ન એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ પૂર્વ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે.