Hero MotoCorp: Hero MotoCorp એ 1000 કરોડથી વધુના નકલી ખર્ચ દર્શાવ્યા છે. આ સાથે દિલ્હીના છત્તરપુર ફાર્મહાઉસ માટે 100 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે.
તાજેતરમાં આવકવેરા વિભાગ (Income Tax Department) તરફથી એક મોટી માહિતી સામે આવી છે. આ મુજબ Hero MotoCorp એ 1000 કરોડથી વધુના નકલી ખર્ચ ( False expenses) બતાવ્યા છે. તેમજ દિલ્હી (Delhi) ના છતરપુર ફાર્મહાઉસ માટે 100 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે.
આ દરોડા આવકવેરા વિભાગ દ્વારા 23 માર્ચે પાડવામાં આવ્યા હતા. ANIના સમાચાર મુજબ, આવકવેરા વિભાગની અલગ-અલગ ટીમોએ Hero MotoCorpના અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આમાં 26 માર્ચે દિલ્હી-એનસીઆર સ્થિત કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન પવન મુંજાલની વિવિધ સંપત્તિઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, દિલ્હી-એનસીઆરમાં સ્થિત તમામ સ્થળોએ કુલ 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ દરોડામાં મોટી સંખ્યામાં મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે. કેટલાક દસ્તાવેજોની હાર્ડ કોપી મળી આવી છે અને કેટલીક માહિતી ડિજિટલી પણ મળી છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યો છે. આ તપાસમાં જાણવા મળ્યું છે કે જૂથ વતી અનેક પ્રકારની નકલી ખરીદી દર્શાવવામાં આવી છે.
આ સિવાય અનેક પ્રકારના ખર્ચાઓ પણ નકલી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત નકલી રહેણાંક સ્થળોની એન્ટ્રી પણ મળી આવી છે. કુલ મળીને રૂ. 1000 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે.
100 કરોડના રોકડ વ્યવહારના પુરાવા પણ મળ્યા
આ સાથે આવકવેરા વિભાગને રોકડ વ્યવહારના પુરાવા પણ મળ્યા છે, જે લગભગ 100 કરોડ રૂપિયા છે. આ વ્યવહારો દિલ્હીની બહારના વિસ્તારમાં ફાર્મહાઉસ ખરીદવા માટે થયા છે. મુંજાલે છત્તરપુરમાં જે ફાર્મહાઉસ ખરીદ્યું છે તેને કબજે કરવા માટે કાળાં નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ IT એક્ટ (IT Act) 269 SS હેઠળ સજાપાત્ર ગુનો છે. આ અધિનિયમ અનુસાર, જો વેચનાર ખરીદદાર પાસેથી ટ્રાન્સફરેબલ પ્રોપર્ટી માટે 20 લાખથી વધુની રોકડ લે છે, તો તેના પર 100 ટકા દંડ વસૂલવામાં આવે છે.