મુંબઈમાં 'કસાબ બ્રિજ' તૂટી પડતા છનાં મોત, BMC અને રેલવે સામે FIR

ફૂટ ઓવરબ્રિજ

26/11ના રોજ થયેલા આતંકી હુમલા દરમિયાન જીવતા પકડવામાં આવેલા આતંકી અઝમલ કસાબ અને ઠાર કરાયેલા ઇસ્માઇલ ખાને આ બ્રિજનો ઉપયોગ કર્યો હતો.

 • Share this:
  મુંબઈ : દક્ષિણ મુંબઈમાં ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CST) રેલવે સ્ટેશન પાસે ફૂટ ઓવરબ્રિજ તૂટી પડવાને કારણે છ લોકોનાં મોત થયા છે. આ બનાવમાં 30થી વધારે લોકો ઘાયલ થયા છે. આ પુલ સતત લોકોની ભીડ રહેતી હોય તેવા સીએસટી રેલવે સ્ટેશનને આઝાદ મેદાન પોલીસ મથક સાથે જોડતો હતો. આ પુલને 'કસાબ પુલ' પણ કહેવામાં આવતો હતો. 26/11ના રોજ આતંકીઓ અહીંથી પસાર થયા હોવાથી તેને 'કસાબ પુલ' તરીકે ઓળખવામાં આવે છે.

  આ દુર્ઘટના અંગે મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ કક્ષાની તપાસના આદેશ કર્યા છે. આ અંગે આઝાદ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304 એ (બેદરકારીથી મોત) અંતર્ગત મધ્ય રેલવે અને બીએમસીના સંબંધિત અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

  26/11ના રોજ થયેલા આતંકી હુમલા દરમિયાન જીવતા પકડવામાં આવેલા આતંકી અઝમલ કસાબ અને ઠાર કરાયેલા ઇસ્માઇલ ખાને આ બ્રિજનો ઉપયોગ કર્યો હતો.

  જુઓ તસવીરો :   26મી નવેમ્બર, 2008ના રોજ બે આતંકીઓએ હાથમાં એકે-47 લઈને સીએસટીના પેસેન્જર હોલમાં દાખલ થયા હતા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. બંનેએ હેન્ડગ્રેનેડ પણ ફેંક્યા હતા. આ બનાવમાં 58 લોકોનાં મોત થયા હતા અને 104 લોકો ઘાયલ થયા હતા. બંને આતંકીઓએ કામા હોસ્પિટલ સુધી પહોંચવા માટે આ બ્રિજનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન મુંબઈના ફોટો જર્નાલિસ્ટ સેબાસ્ટિયન ડિસુઝાએ અજમલ કસાબની તસવીર ક્લિક કરી લીધી હતી.

  સીએસટી ઓવરબ્રિજ વર્ષ 1984માં બાંધવામાં આવ્યો હતો. જે જગ્યાએ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે તે સીએસટી રેલવે સ્ટેશનને યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેઝ સાઇટ જાહેર કરવામાં આવી છે. સીએસટી એ સેન્ટ્રલ રેલવેનું વડું મથક પણ છે. મુંબઈના રેલવે ટ્રેકની વાત કરવામાં આવે તો દરરોજ આશરે સાત લાખ જેટલા પ્રવાસીઓ મુસાફરી કરી છે, તેમજ આ ટ્રેક પર દરરોજ 2500 જેટલી ટ્રેન દોડે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: