Home /News /national-international /Youtube: વ્યૂ અને પૈસા ન મળતા યુટ્યુબરનો આપઘાત, વીડિયો બનાવવા લીધી હતી રૂ. 5 લાખની લોન
Youtube: વ્યૂ અને પૈસા ન મળતા યુટ્યુબરનો આપઘાત, વીડિયો બનાવવા લીધી હતી રૂ. 5 લાખની લોન
યુટ્યૂબરની આત્મહત્યા
telanagana youtuber suicide: ડિજિટલ પ્લેટફોર્મ (Digital platform) પર ઓળખ બનાવવા અને આવક મેળવવા કમરતોડ મહેનત કર્યા છતાં અપેક્ષિત પરિણામ ન આવે એવું પણ બને. આવી સ્થિતિમાં ઘણા ક્રીએટર નશીપાસ થતાં હોય છે અને ન કરવાનું કરી બેસે છે. આવો જ એક કેસ તેલંગાણામાં સામે આવ્યો છે.
વર્તમાન સમયે ઘણા યુવાનો ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા થકી આવક મેળવી રહ્યા છે. ઘણા કોન્ટેન્ટ ક્રીએટર (content creator) મસમોટી રકમ કમાય છે, તો કેટલાક વર્ષોથી સ્ટ્રગલ કરે છે. યુટ્યુબ કે અન્ય કોઈ ડિજિટલ પ્લેટફોર્મ થકી આવક મેળવવી (YouTube income) ખોટી વાત નથી. પણ, માત્ર તેના પર નિર્ભર રહેવું સમસ્યા સર્જી શકે છે. ડિજિટલ પ્લેટફોર્મ (Digital platform) પર ઓળખ બનાવવા અને આવક મેળવવા કમરતોડ મહેનત કર્યા છતાં અપેક્ષિત પરિણામ ન આવે એવું પણ બને. આવી સ્થિતિમાં ઘણા ક્રીએટર નશીપાસ થતાં હોય છે અને ન કરવાનું કરી બેસે છે. આવો જ એક કેસ તેલંગાણામાં સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પરથી અપેક્ષા મુજબ નામના અને આવક મેળવવામાં નિષ્ફળ રહેલા તેલંગાણાના યુટ્યુબર લોક કલાકારે જંતુનાશક દવા પીને આત્મહત્યા (YouTuber Suicide) કરી લીધી છે. તેણે યુટ્યુબ ચેનલ ચલાવવા માટે લોન લીધી હતી અને તેનો ભાર એ સહન કરી શક્યો નહોતો.
લોન ચૂકવવા જમીનનો અમુક ભાગ વેચી દીધો પણ..
આ ઘટનાની વધુ વિગતો મુજબ મેડક જિલ્લાના કોવડીપલ્લી ગામના વતની અલાશી નવીન ગૌડ પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા સોશિયલ મીડિયા પર લોકગીતો શેર કરતો હતો, તેણે અત્યાર સુધીમાં ચાર લોકગીતો લખ્યા, ગાયા અને રિલીઝ કર્યા હતા. ગીતો બનાવવા માટે તેણે પોતાના મિત્રો પાસેથી 5 લાખ રૂપિયાની રકમ લોન પેટે લીધી હતી. તે અન્ય ઘણા લોકપ્રિય યુટ્યુબર્સની જેમ યુટ્યુબ ચેનલથી સારી આવક મેળવવાનું વિચારતો હતો. પરંતુ તેની અપેક્ષા મુજબ કંઈ થયું ન હતું. જેથી તેણે તેની ખેતીની જમીનનો અમુક ભાગ વેચી દીધો અને અમુક અંશે લોન ચૂકવી દીધી હતી.
બાકી રહેલી લોનની રકમનો બોજ સહન ન કરી શકતાં તેણે 17 ઓગસ્ટના રોજ પોતાના ખેતરમાં જંતુનાશક દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે તેણે તેના પરિવારના સભ્યોને પણ જાણ કરી હતી. તેઓએ તેને સારવાર માટે મેડક સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારબાદ તેની તબિયત વધુ બગડતાં હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત 23 ઓગસ્ટે નવીન ગૌડનું નિધન થયું હતું. આ બનાવ અંગે પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
તેલંગાણાના એક યુટ્યુબરે અગાઉ પણ આત્મહત્યા કરી હતી. થોડા સમય પહેલા મધ્યપ્રદેશના IIIT ગ્વાલિયરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલ હૈદરાબાદની ક્રાંતિ નગર કોલોનીના રહેવાસી દીનાએ એક બિલ્ડિંગના પાંચમા માળેથી છલાંગ લગાવી મોત વહાલું કર્યું હતું. યુટ્યુબ પર પોસ્ટ કરેલા તેના વિડિઓઝના વ્યૂ ઓછા આવતા હતા. તેનાથી હતાશ થયા બાદ તેણે આપઘાત કર્યો હતો. આત્મહત્યા કરતા પહેલા તેની યુટ્યુબ ચેનલ પર વીડિયો અને સ્યુસાઇડ લેટર પણ પોસ્ટ કર્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર