ન્યૂઝ18 ગુજરાતી : બિહારમાં મહાગઠબંધનને બચાવવા માટે ચાલી રહેલા પ્રયાસો વચ્ચે હવે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)માં એક નવો જ ટ્વિસ્ટ આવ્યો છે. ગુરુવારે પાર્ટીના નેતા તેમજ લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે બે બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી હતી, એટલું જ નહીં તેણે આ બંને બેઠક પર ઉમેદવારના નામની પણ જાહેરાત કરી દીધી હતી.
તેજપ્રતાપે ન્યૂઝ18 સાથે વાતચીત દરમિયાન કહ્યુ કે જહાનાબાદથી ચંદ્રપ્રકાશ રાજદના ઉમેદવાર હશે. તેજપ્રતાપ યાદવે શિવહર સીટ પર અંગેશ સિંહના નામની જાહેરાત કરી હતી. તેજપ્રતાપની આ જાહેરાત સાથે જ લાલૂ પ્રસાદ યાદવના પરિવારમાં ફરીથી ધમાચકડી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે તેજપ્રતાપ આ મામલે પીસી પણ કરશે. તેજપ્રતાપે સાથે એવું પણ કહ્યું કે તે તેના નાનાભાઈ સાથે છે. તેજપ્રતાપે કહ્યું કે, "હું મારા નાના ભાઈ પાસેથી અપેક્ષા રાખુ છું કે તે મેં આપેલા બંને નામ પર મંજૂરીની મહોર મારી દે. હું હજુ પણ મારા ભાઈ સાથે છું. મારી નવી પાર્ટી બનાવવાની કોઈ મહત્વકાંક્ષા નથી. હું રાજદ સાથે જ છું. મેં ફક્ત બે નામ સૂચવ્યા છે, જે પાર્ટીના વફાદાર છે. બાકી લોકો પોતાની રીતે કોઈ પણ કહાની ઘડી શકે છે. હું હંમેશા એવું ઇચ્છું છું કે તેજસ્વી આગળ વધે."
શત્રુઘ્નસિંહાની કોંગ્રેસમાં એન્ટ્રી લટકી
તેજપ્રતાપે બે ઉમેદવારના નામની જાહેરાત કરી હોવા વચ્ચે બીજા મહત્વના સમાચાર એ સામે આવ્યા છે કે ભાજપના બળવાખોર સાંસદ શત્રુઘ્નસિંહાની કોંગ્રેસમાં એન્ટ્રી લટકી ગઈ છે. આ પાછળ બિહારની ક્ષેત્રીય પાર્ટીઓ અને કોંગ્રેસ વચ્ચે બેઠકની વહેંચણી બાબતે કોઈ સહમતી ન બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર