સમગ્ર દેશમાં MeToo કેમ્પેઇન અંતર્ગત મહિલાઓ દ્વારા અનેક લોકો પર જાતિય સતામણીનાં આરોપ લગાવવામાં આવ્યા છે જેમાં માર્કેટિંગ કન્સલન્ટ સુહેલ શેઠનો પણ સમાવેશ થાય છે. સુહેલ શેઠની સામે પણ મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે, તેમણે તેમની સાથે જાતિય સતામણી (સેક્સ્યુલ હેરેસમેન્ટ) કરી હતી.
સોશિયલ મીડિયા પર સુહેલ શેઠ પર આ પ્રકારનાં આરોપ લાગતા દેશની જાણિતી કંપની ટાટા સન્સએ સુહેલ શેઠનો કન્સલટન્ટ તરીકેનો કોન્ટ્રાક્ટ રદ કરી નાંખ્યો હતો. ટાટા કંપનીનાં પ્રવક્તાએ જણાવ્યુ કે, સુહેલ શેઠનો ટાટા સન્સ સાથેનો કોન્ટ્રાક્ટ નવેમ્બર 30, 2018નાં રોજ પુરો થઇ જશે.
આ પહેલા ફિલ્મમેકર અને પ્રોડ્યુસરે સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી સુહેલ શેઠ પર એવો આરોપ લગાવ્યો હતો કે, શેઠ તેને જુઠુ બોલીને તેના ઘરે લઇ ગયો હતો અને તેની સાથે અણછાજતું વર્તન કર્યું હતું.
મહિલાએ સુહેલ શેઠ સામે જાતિય સતામણીનાં આરોપ લગાવ્યા બાદ અનેક લોકોએ ટાટા ગ્રુપ અને અને તેના ચેરમેન રતન ટાટાને ટેગ કરીને માંગણી કરી હતી કે, તેઓ આ મુદ્દે તેમની સ્ટેન્ડ નક્કી કરે અને સુહેલ શેઠ સામે પગલા ભરે.
આ પ્રકારનો મુદ્દો જાહેરમાં આવતા, ટાટા કંપનીના પ્રવક્તાએ કહ્યુ હતું કે, તેઓ સુહેલ શેઠ સામે થયેલા આરોપોની તપાસ કરી રહ્યા છે અને તપાસનાં અંતે આ અંગે નિર્ણય લેશે.
ફિલ્મમેકર મહિલાએ સુહેલ શેઠ સામે આરોપ લગાવ્યા બાદ ઘણી બધી મહિલાઓ આગળ આવી અને તેમણે પણ કહ્યું કે, હા, સુહેલ શેઠે તેમની સાથે પણ જાતિય સતામણી કરી હતી. આરોપ કરનારી મહિલાઓમાં પત્રકાર મંદાકિની ગેહલોત, લેખિકા ઇરા ત્રિવેદી અને મોડેલ ડિયેન્દ્રા સોરે વગેરેનો સમાવેશ થાય છે. જો કે, આ આરોપો લાગ્યા ત્યારથી સુહેલ શેઠે કોઇ નિવેદન આપ્યું નથી. ચુપ છે. પણ ટાટા કંપનીએ તેમને જાકારો આપી દીધો છે.