તમિલનાડુમાં આકાશી આફત બન્યો વરસાદ: શાળા-કોલેજો બંધ, PM મોદીએ આપ્યું મદદનું આશ્વાસન

વરસાદે મચાવેલા તાંડવમાં ચાર લોકોના મોત (ફાઈલ તસવીર: PTI)

તમિલનાડુ (Tamil Nadu) માં ચેન્નઇ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાયું છે. ભારતીય હવામાન વિભાગે(IMD) સોમવારે પણ રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rain in Tamil Nadu)ની આગાહી કરી છે.

  • Share this:
નવી દિલ્હી:  દેશમાંથી ચોમાસા(Monsoon)એ વિધિવત વિદાય લઇ લીધી છે, પરંતુ હજુ પણ દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. તમિલનાડુ (Tamil Nadu) માં ચેન્નઇ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાયું છે. ભારતીય હવામાન વિભાગે(IMD) સોમવારે પણ રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rain in Tamil Nadu)ની આગાહી કરી છે. પહેલાથી જ રાજ્યમાં અનેક જીલ્લાઓની સ્થિતિ ખરાબ છે.

તેવામાં અહેવાલ છે કે, રાત્રે 2 વાગ્યા સુધીમાં લગભગ 81 લોકોને રેસ્ક્યુ કરીને આશ્રમ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત વરસાદે મચાવેલા તાંડવમાં લગભગ 4 લોકોના મોતની સમાચાર છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે ઠેરઠેર ભરાયેલા પાણીથી વાહનવ્યવહાર પણ ઠપ્પ થઇ ગયો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગતરાત્રે ચેન્નાઇમાં ભારે વરસાદ (Heavy Rain in Chennai) ખાબક્યો હતો. સુરક્ષાના ભાગરૂપે આગામી બે દિવસ માટે ચાર જીલ્લામાં સ્કૂલ-કોલેજ બંધ કરવાની ફરજ પડી હતી. થિરૂવલ્લૂર, ચેંગલપટ્ટૂ અને મદુરાઇમાં NDRFની ટીમો તહેનાત છે. ચેન્નાઇમાં 6 વર્ષ બાદ આટલો ભારે વરસાદ નોંધાયો છે.

પીએમ મોદીએ આપ્યું મદદનું આશ્વાસન

રાજ્યમાં લોકોની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સાથે વાતચીત કરી હતી અને દરેક સંભવિત મદદનું આશ્વાસન આપ્યું હતું. પીએમએ ટ્વિટ કર્યુ છે કે, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન સાથે વાતચીત કરી અને રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા બચાવ અને રાહત કાર્યમાં દરેક સંભવિત સહયોગ આપવાનું વચન આપ્યું. હું રાજ્યના તમામ લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું.

આ પણ વાંચો: આજે લાલકૃષ્ણ અડવાણીનો 95મો જન્મ દિવસ, સોમનાથની રથયાત્રા રાજનીતિનો ટર્નિંગ પોઇન્ટ

ચેન્નાઇમાં બનાવવામાં આવ્યા રાહત કેમ્પ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ રેવન્યુ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર કેકેએસએસઆર રામચંદ્રનને ટાંકીને જણાવ્યું કે અસરગ્રસ્તોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જળબંબાકારથી અસરગ્રસ્ત લોકોને 50,451 ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યુ કે રસ્તામાંથી પાણી હટાવવા મોટા પંપ્સનો સહારો લેવામાં આવી રહ્યો છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે આવા 500 પંપ્સ લગાવ્યા છે.

રાજ્યમાં છે ભયાવહ સ્થિતિ

સીએમ સ્ટાલિને ચેન્નાઇ, થિરૂવલ્લૂર, ચેંગલપેટ અને કાંચીપુરમમાં શાળામાં બે દિવસ સુધી રજાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે NDRFની 4 ટીમો રાહત અને બચાવ કામગીરી માટે સ્ટેન્ડ બાય રાખી છે. રવિવારે સીએમએ પેરંબૂર બેરક રોડ, ઓટરી પુલ અને પાડીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. સીએમએ આપેલી જાણકારી અનુસાર ચેન્નાઇ અને 11 અન્ય જીલ્લામાં 20 સેમી કે તેથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય જીલ્લાઓમાં એટલો વરસાદ નથી. પરંતુ સમગ્ર રાજ્યની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Chhattisgarh Breaking: સુકમામાં CRPF જવાને સાથીઓ પર વરસાવી ગોળીઓ, 4નાં મોત

3 દિવસ સુધી વરસાદની આગાહી

હવામાન વિજ્ઞાન વિભાગે રવિવારે જણાવ્યું કે, 9 નવેમ્બર સુધી ઉત્તર તટીય તમિલનાડુ અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે. એવામાં રાજ્યમાં ઓછામાં ઓછા આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ થઇ શકે છે. જેના ભાગરૂપે સોમવારે ચેન્નાઇ, વિલ્લુપુરમ અને કુડ્ડલોર જેવા ઉત્તરના ક્ષેત્રોમાં, માયિલદુથુરઇ અને નાગપટ્ટીનમ જીલ્લાના ડેલ્ટા વિસ્તારો તથા પુડુચેરી અને કરિયક્કલમાં વરસાદથી શક્યતા છે.
Published by:kuldipsinh barot
First published: