તમિલનાડુના તંજાવુર જિલ્લામાં એક 17 વર્ષની વિદ્યાર્થીનીએ જંતુનાશક દવા ખાઇને આત્મહત્યાના પ્રયાસ કર્યાના 10 દિવસ પછી મોત થયુ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયોમાં છોકરીએ કહ્યું છે કે, તેણે બે વર્ષ પહેલાં 'ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરણ' (conversion to Christianity proposal) પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. જે બાદ તેના હોસ્ટેલ વોર્ડન દ્વારા તેને "ત્રાસ" આપવામાં આવી રહ્યો હતો અને તેના પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો.
આ સગીર વિદ્યાર્થીની અરિયાલુર જિલ્લાની હતી અને નજીકના જ તંજાવુરમાં સેન્ટ માઈકલ ગર્લ હોમ (St Michael’s Girl’s Home)માં રહેતી હતી. આ મામલાની તપાસ કરતા તંજાવુર જિલ્લા પોલીસે કહ્યું છે કે, બળજબરીથી ધર્માંતરણની કોઈ ફરિયાદ મળી નથી. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, વીડિયો કેવી રીતે અને ક્યારે શૂટ કરવામાં આવ્યો.
તંજાવુર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સી. રાવલી પ્રિયા ગંધપુનેનીએ ડેક્કન હેરાલ્ડને જણાવ્યું હતું કે, તપાસના પ્રથમ રાઉન્ડમાં અમને બળજબરીથી ધર્માંતરણની કોઈ ફરિયાદ મળી નથી. અમે પહેલાથી જ કેસ દાખલ કરી દીધો છે અને અમે તેના માતાપિતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ કરી રહ્યા છીએ. SPએ સોશિયલ મીડિયા પર સગીરની ઓળખ જાહેર કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી.
નોંધાયેલી ફરિયાદના આધારે, પોલીસ અધિકારીઓએ 62 વર્ષીય હોસ્ટેલ વોર્ડન સગયામારીની ધરપકડ કરી છે. તેના પર આઈપીસી અને જેજે એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ડેક્કન હેરાલ્ડના અહેવાલ મુજબ, વાયરલ વીડિયો ક્લિપમાં મૃતક યુવતી કહેતી જોવા મળી હતી કે, તેની હોસ્ટેલના વોર્ડને તેને બધા રૂમ સાફ કરવા અને અન્ય કામ કરવા માટે કહીને તેના પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. છોકરીએ વીડિયોમાં કહ્યું છે કે, તેણે મારા માતા-પિતાને બે વર્ષ પહેલાં પૂછ્યું હતું કે, શું હું ખ્રિસ્તી ધર્મ અપનાવી શકું છું અને જો આવુ થાય તો તે મારા શૈક્ષણિક ખર્ચની સંભાળ લેશે. અમે તેને ના પાડી ત્યારથી તેણે મારી પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું.
આ ઘટના 10 જાન્યુઆરીના રોજ પ્રકાશમાં આવી હતી, શાળા સત્તાધીશોએ સગીરના પિતા મુરુગાનંદમને ફોન કરીને જણાવ્યું હતું કે, તેમની પુત્રીને ઉલ્ટી અને પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કર્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આત્મહત્યાની જાણ થતા જ તમિલનાડુના વિપક્ષો રાજ્યમાં બળજબરીથી ધર્માંતરણના ઘણા કેસો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. એક નિવેદનમાં રાજ્ય બીજેપીના વડા કે, અન્નામલાઈએ આ ઘટના અંગે વાત કરતા આરોપ લગાવ્યો કે, એફઆઈઆરમાં 'બળજબરીથી ધર્માંતરણ'ના પ્રયાસો પર છોકરીના નિવેદનનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો જે અયોગ્ય છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર