Home /News /national-international /

Afghanistan Crisis: તાલિબાન સરકાર પર સંકટ! બરાદર અને હક્કાની વચ્ચે વધી રહ્યું છે ઘર્ષણ?

Afghanistan Crisis: તાલિબાન સરકાર પર સંકટ! બરાદર અને હક્કાની વચ્ચે વધી રહ્યું છે ઘર્ષણ?

મુલ્લા બરાદરને તાલિબાન સરકારમાં નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. (ફાઇલ તસવીર- AP)

Baradar Vs Haqqani: અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં તાલિબાનીઓ વચ્ચે ધમાલ! મુલ્લા ગની બરાદર નારાજ

કાબુલ. અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનની શાસનના (Taliban Rule) ઉદય સાથે જ રોજ નવી ઘટનાઓ સામે આવી રહી છે. 2001માં 9/11ની ઉગ્રવાદી ઘટના પછી અલ-કાયદાને નાબૂદ કરવા માટે અમેરિકાએ (USA) અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો અને શાસન પરથી તાલિબાનોને હાંકી કાઢ્યા હતા. ત્યારથી અત્યાર સુધીમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે તાલિબાનોના કબજા હેઠળ કોઈ પ્રાંતની રાજધાની હોય. હાલમાં જ તાલિબાને દેશના રાષ્ટ્રપતિ ભવન પર પોતાનો ઝંડો લહેરાવી પોતાના શાસનની શરૂઆત કરી હતી.
તાલિબાનનીઓમાં શરૂ થયો આંતરિક ડખો

આ દરમિયાન સૂત્રો પાસેથી મળેલા અહેવાલો અનુસાર, તાલિબાનમાં આંતરિક વિખવાદો (Taliban Internal Clash) ઊભા થવાનું શરૂ થઇ ગયું છે. બીબીસીના અહેવાલ મુજબ, તાલિબાનના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ભવનમાં તાલિબાનના સહ-સંસ્થાપક મુલ્લા ગની બરાદરની (Mullah Abdul Ghani Baradar) જૂથ અને એક કેબિનેટ સદસ્ય વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. બરાદર અને ખલીલ ઉર-રહેમાન (Khalil ur-Rahman Haqqani) વચ્ચે આંતરિક વિવાદ ઉભો થતા બંને નેતાઓના સમર્થકો પરસ્પર બાખડ્યા હતા. ખલીલ ઉર-રહેમાન આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કના (Haqqani Network) નેતા અને તાલિબાન સરકારમાં (Taliban Government) શરણાર્થી મંત્રી છે. હાલ મુલ્લા બરદર સાર્વજનિક રૂપે નજરે પડી રહ્યા નથી. જે બાદ આંતરિક વિવાદ અંગેની વાતોએ વધુ વેગ પકડ્યો છે. જોકે તાલિબાને અધિકારિક રીતે આ વાતની પુષ્ટિ કરી નથી. તાલિબાને ગત મહિને અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો અને અફઘાનિસ્તાનનો ઈસ્લામિક ગણતંત્રમાંથી અમીરાત બનાવવાની જાહેરાત કરી હતી. તાલિબાને 7 સપ્ટેમ્બરે નવી કેબિનેટની જાહેરાત કરી હતી. જેમાં તમામ પુરૂષો છે અને એકપણ મહિલાને સ્થાન આપવામાં આવ્યું નથી.

શા માટે ઉભો થયો વિવાદ?

કતર સ્થિત તાલિબાનના એક સિનિયર સદસ્ય અને એક વ્યક્તિ, જે આ વિવાદમાં સામેલ હતા તેમણે પુષ્ટિ કરી કે ગત સપ્તાહે આ વિખવાદ થયો હતો. સુત્રો અનુસાર વિવાદનું કારણ બરાદર સરકારની સંરચનાથી નાખુશ હોવાનું જણાવાઇ રહ્યું છે. અફઘાનિસ્તાનમાં જીતના શ્રેય માટે તાલિબાનમાં નેતાઓ બાખડી રહ્યા છે.

અહેવાલો અનુસાર બરાદરને લાગે છે કે તેમની ડિપ્લોમેસીના કારણે તાલિબાનને અફઘાનિસ્તાનમાં સત્તા મળી છે, જ્યારે હક્કાની નેટવર્કના સભ્યો અને સમર્થકોને લાગે છે કે અફઘાનિસ્તાનમાં જીત યુદ્ધના કારણે મળી છે. હક્કાની નેટવર્કની કમાન તાલિબાનના એક શીર્ષ નેતા પાસે છે.

બરાદરે ટ્રમ્પ સાથે કરી હતી વાતચીત

બરાદર તાલિબાનના પહેલા નેતા છે, જેણે 2020માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર સીધી વાતચીત કરી હતી. આ પહેલા તેમણે તાલિબાન તરફથી દોહા સમજૂતીમાં અમેરિકન સૈનિકોને પરત મોકલવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

બીજી તરફ હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં હાલના થોડા વર્ષોમાં પશ્ચિમી દળો પર સૌથી હિંસક હુમલાઓમાં સામેલ રહ્યું છે. અમેરિકાએ તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. તેના નેતા સિરાઝુદ્દીન હક્કાની તાલિબાનની નવી સરકારમાં ગૃહમંત્રી છે.

અચાનક ગાયબ થઇ ગયા બરાદર

તાલિબાનના એક સૂત્રએ જણાવ્યા અનુસાર, વિવાદના કારણે બરાદર કાબૂલ છોડીને કંધાર ચાલ્યા ગયા છે. સોમવારે બરાદરના નામે એક ઓડિયો ટેપ જાહેર કરાઈ હતી, જેમાં તેઓ કહી રહ્યા છે કે તે પ્રવાસ પર છે અને તે જ્યાં પણ છે એકદમ સુરક્ષિત છે. જોકે આ રેકોર્ડિંગની ખરાઈ અંગે કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. બીજી તરફ તાલિબાન આંતરિક વિવાદની વાતોને સતત નકારી રહ્યું છે અને બરાદર સુરક્ષિત હોવાની વાત કહી રહ્યું છે. અને તે થાકી ગયા હોવાથી આરામ કરવા માંગતા હોવાની વાતો જણાવાઇ રહી છે. અફઘાનો વચ્ચે તાલિબાન પર શંકાના ઘણા કારણો છે. 2015માં તાલિબાને સ્વીકાર્યુ હતું કે તેમણે પોતાના સંસ્થાપક નેતા મુલ્લા ઉમરની મોતની વાતને બે વર્ષ સુધી છુપાવીને રાખી હતી. આ દરમિયાન તાલિબાને મુલ્લા ઉમરના નામે નિવેદન જાહેર કરી રહ્યું હતું.

ક્યાં છે તાલિબાનના સર્વોચ્ચ નેતા બરાદર?

સૂત્રોએ જણાવ્યા અનુસાર, બરાદર કાબુલ પહોંચીને કેમેરામાં સામે આવી શકે છે અને કોઇ પણ વિવાદનો અંત લાવી શકે છે. તાલિબાનના સુપ્રીમ નેતા હિબ્તુલ્લાહ અખુંદઝાદાને લઇને પણ અનેક પ્રકારની અટકળો છે. તે સાર્વજનિક રીતે હાલ કોઇ પણ જગ્યાએ દેખાઇ રહ્યા નથી. તેમની પાસે તાલિબાનની રાજનૈતિક, સૈન્ય અને ધાર્મિક મામલાઓની જવાબદારી છે.

આ પણ વાંચો, કોણ છે Mullah Abdul Ghani Baradar જે અફઘાનિસ્તાનમાં ચલાવશે Taliban સરકાર?

આ દરમિયાન અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશમંત્રીએ મંગળવારે આંતરરાષ્ટ્રિય દાનકર્તાઓને ફરી મદદ શરૂ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રિય સમુદાયોને પોતાની મદદ અંગે રાજનીતિ કરવી જોઇએ નહીં. જે બાદ એક અબજ ડોલરથી વધુની મદદને લઇને અનેક ચર્ચાઓ શરૂ થઇ છે.

આ પણ વાંચો, તાલિબાને કરી નવી સરકારની જાહેરાત, મુલ્લા હસન અખુંદ પ્રધાનમંત્રી, બરાદર ડિપ્ટી PM

ટ્રમ્પ સાથે બરાદરની વાતચીત?

ગત મહિને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક રેડિયો કાર્યક્રમમા તે વાતની પુષ્ટિ કરી હતી કે તેમણે ગત વર્ષે ‘તાલિબાનના પ્રમુખ’ સાથે વાતચીત કરી હતી. તે પ્રમુખ કોણ હતા, તેના વિશે તેઓએ સ્પષ્ટતા કરી ન હતી. પરંતુ જ્યારે રેડિયો શો હોસ્ટે પૂછ્યું કે તે મુલ્લા અબ્દુલ ગની બરાદરની વાત કરે છે, તો ટ્રમ્પે કહ્યું કે, હાં મેં તેની સાથે જ વાતચીત કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરૂવારે 26 ઓગસ્ટે કંઝર્વેટિવ ટોક રેડિયો હોસ્ટ હ્યુ હ્યૂવેટના કાર્યક્રમમાં આ વાત કરી હતી.
Published by:Mrunal Bhojak
First published:

Tags: Afghanistan Crisis, અફઘાનિસ્તાન, કાબુલ, તાલિબાન

આગામી સમાચાર