નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)ની અંતિમ યાદીમાંથી બાદબાકી કરવામાં આવેલા લોકોમાં પશ્ચિમ આસામનો એક પરિવાર પણ સામેલ છે. આ પરિવારના અનેક સભ્ય દેશની રક્ષામાં વર્ષોથી સરહદ પર તહેનાત છે. એનઆરસીની અંતિમ યાદી આસામના ભારતીય નાગરિકોની ઓળખની પુષ્ટિ કરે છે. આ યાદી શનિવારે જાહેર કરવામાં આવી છે. 19 લાખથી વધુ લોકો યાદીમાં સ્થાન નથી મેળવી શક્યા. તેમના ભવિષ્ય પર સંકટના વાદળો ઘેરાયેલા છે.
NRC અને ત્રણ ફૌજી ભાઈ
ટ્રિબ્યૂનલમાં પોતાનો કેસ લડ્યા બાદ બારપેટા નિવાસી સાહિદુલને છેવટે આ યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેમના ભાઈઓ દિલબર અને મિજાનુરના નામ તેમાંથી ગાયબ છે. 1 એપ્રિલ 2019ના રોજ ટ્રિબ્યૂનલમાં કેસ જીતનારા સાહિદુલે પોતાના દસ્તાવેજ દાખલ કરતી વખતે પોતાના પરિવારના તમામ સભ્યોનું વિવરણ પણ સામેલ કર્યુ હતું, પરંતુ અંતિમ અપડેટ કરવામાં આવેલી યાદીમાં તેમના ભાઈઓના નામ ગાયબ છે.
જ્યારે સાહિદુલ જલપાઈગુડીની બિન્નાગુરીમાં તહેનાત સૂબેદાર છે, દિલબર લખનઉમાં તહેનાત ભારતીય સેનાનો સિપાહી છે અને મિજાનૂર સીઆઈએસએફ કોન્સ્ટેબલ છે જે હાલ ચેન્નઈમાં તહેનાત છે. સાહિદુલના વધુ બે ભાઈ છે, જેમની ઓળખ રૂસ્તમ અને દાનિશ તરીકે થઈ છે, બંને સ્થાનિક વેપારી છે. આ બંનેના નામ એનઆરસી યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, દાનિશની દીકરી સુમૈયાને સામેલ નથી કરવામાં આવી જ્યારે તેની પત્ની નજમાનું નામ યાદીમાં છે. ચોંકાવનારી વાત એ છે કે, તેમની માતા ખુદેજા બેગમનું નામ પણ યાદીમાંથી ગાયબ છે.
સાહિદુલે ન્યૂઝ18 સામે રજૂ કરી પોતાની વાત
આ તમામ ઘટનાક્રમોની વચ્ચે ટ્રિબ્યૂનલમાં રાષ્ટ્રીયતાનો કેસ જીત્યા બાદ પણ તે ઉદાસ છે. સાહિદુલે ન્યૂઝ18ને કહ્યું કે, સર, અમે આઘાતમાં છીએ. અમે ભ્રમિત છીએ અને એ નથી સમજી શકતા કે શું કરવું જોઈએ. મારા પરિવારના કેટલાક સભ્યોના નામ સામેલ છે, જ્યારે કેટલાકના નામ ગાયબ છે. શું ચાલી રહ્યું છે? શું તમે અમારી મદદ માટે કોઈને મોકલી શકો છો? અમે પાંચ ભાઈઓમાંથી ત્રણ આર્મી અને CISF માટે કામ કરીએ છીએ. અમે અમારું જીવન આપણા વ્હાલા દેશની સેવા માટે આપ્યું અને ઈનામ રૂપે સરકારે અમારા ભાઈઓના નામ એનઆરસીની યાદીથી બહાર કરી દીધું છે.
તેઓએ વધુમાં કહ્યું કે, અમે રાજ્ય સરકારને અમારા મામલામાં ધ્યાન આપવાનો અનુરોધ કરીએ છીએ. નહીં તો અમે બરબાદ થઈ જઈશું. જ્યારથી એનઆરસી યાદી સામે આવી, અમે આઘાતમાં છીએ. દિલબરે કહ્યું કે, વર્ષો સુધી રાષ્ટ્રની સેવા કર્યા બાદ આજે જેટલા અપમાનિત અનુભવી રહ્યા છીએ એટલું સમગ્ર જીવનમાં ક્યારેય નથી થયું. ભગવાન જાણે છે કે શું ચાલી રહ્યું છે.