ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય વાયુસેનાએ પીઓકેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના તાલિમી કેમ્પો નષ્ટ કર્યા બાદ ગુજરાતમાં સરહદી વિસ્તારો તેમજ જાહેર સ્થળે પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી વિસ્તારમાં બીએસએફને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. પાકિસ્તાન સ્લિપર સેલ કે અન્ય કોઈ રીતે હુમલો કરાવી શકવાની આશંકાને ધ્યાનમાં રાખીને ગુજરાતના સોમનાથ મંદિર તેમજ અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે. સોમનાથ મંદિર ખાતે મંદિર પરિસર તેમજ તેના આસપાસના વિસ્તારમાં એનએસજી કમાન્ડો તહેનાત કરી દેવામાં આવ્યા છે. હાલ ચાર જેટલા કમાન્ડો સોમનાથ મંદિરની સુરક્ષામાં મૂકવામાં આવ્યા છે.
અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો
રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર આવેલા તિર્થસ્થળ અંબાજી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. મંદિર ખાતે બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસકર્મીઓ 24 કલાક મંદિરની સુરક્ષા કરી રહ્યા છે. મંદિરની મુલાકાત લેતા તમામ લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના કચ્છની જમીની અને દરિયાય સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આથી કચ્છ વિસ્તારને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ સરહદ પર પાકિસ્તાન કોઈ કાંકરીચાળો ન કરે તેના ભાગરૂપે સરહદ પર બીએસએફને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યું છે. બીજી તરફ નખત્રાણાથી આર્મીની 40 જેટલી ગાડીઓનો કાફલો લખપત તરફ રવાના કરવામાં આવ્યો છે. ટેન્ક્સ, શસ્ત્રો, રાશન અને સૈનિકો સાથે કાફલો રવાના કરવામાં આવ્યો છે. આ વખતે કાફલાને નાની નાની ટુકડીમાં વહેંચવામાં આવ્યો છે. પુલવામા ખાતે થયેલા હુમલા બાદ મોટી સંખ્યાને બદલે નાની નાની ટુકડીઓમાં કાફલાને વહેંચીને રવાના કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર