કર્ણાટકઃ હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે સ્પીકરની નિમણૂક, જાણો અત્યારસુધીમાં શું થયું

  • Share this:
    કર્ણાટક વિધાસભાનું પરિણામ આવ્યા બાદ સરકાર રચવાને લઇને ગુંચવાયેલા કોકડાને અંતે દિશા મળી છે. સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો કે શનિવારે એટલે કે આવતીકાલે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ યોજાશે જેમાં બહુમતી સાબિત કરનાર પાર્ટીને સરકાર બનાવવાનું કહેવામાં આવશે. આ બધા હંગામા વચ્ચે કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળાએ ભાજપના ધારાસભ્ય કે જી બોપૈયાને પ્રોટેમ સ્પીકર નિયુક્ત કર્યા છે. જે બળતામાં ઘી હોમાયું હોય તેમ કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો છે.

    અત્યારસુધી શું થયું કર્ણાટકમાં

    મંગળવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા હતા. જેમાં ભાજપને 104 સીટ મળી હતી, જ્યારે કોંગ્રેસ 78 અને જેડીએસને 38 સીટ મળી હતી. સત્તા પર આવવા માટે 112 સીટ મળવી જરૂરી છે. ત્યારે કોંગ્રેસે જેડીએસ સાથે ગઠબંધન કરી સત્તા રચવાની જાહેરાત કરી હતી, અને તો રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા, તો સામા પક્ષે ભાજપે પણ પોતાની પાસે જરુરી 112 સીટ હોવાનો દાવો કરી રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા. જો કે રાજ્યપાલે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું, જેને લઇને ભાજપે મુખ્યમંત્રી જાહેર કરેલા યેદિયુરપ્પાએ શપથગ્રહણની પણ જાહેરાત કરી દીધી હતી. જો કે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને ભાજપને સરકાર રચવાથી દૂર રાખી.

    સુપ્રીમ કોર્ટમાં હાઇવોલ્ટેજ ડ્રામા

    પૂર્ણ બહુમતી ન મળી હોવા છતા તમામ પક્ષોએ સરકાર રચવાનો દાવો કર્યો, કર્ણાટકના રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવાનું કહ્યું જે ગેરબંધારણીય હોવાનો કોંગ્રેસે આરોપ લગાવી સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી, સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ કહ્યું કે, 'આ એક નંબર ગેમ છે અને રાજ્યપાલે એ જોવું પડશે કે કઈ પાર્ટી પાસે બહુમત છે'. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું, બીએસ યેદિયુરપ્પાએ કહ્યું છે કે, ભાજપ સૌથી મોટી પાર્ટી છે તો હવે 2 વિકલ્પ છે – રાજ્યપાલના નિર્ણયનો ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવે અને શનિવારે જ થાય ફ્લોર ટેસ્ટ. પ્રી-પોલ એલાયંસ પોસ્ટ-પોલ એલાયંસથી અલગ છે, માટે તેનું પરિક્ષણ સદનમાં ફ્લોર ટેસ્ટ મારફતે જ થવું જોઈએ. કર્ણાટકમાં બીજેપીને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવાના નિર્ણય સામે અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ અર્જન સીકરીએ કહ્યું, 'ફ્લોર ટેસ્ટ આનો સૌથી સારો વિકલ્પ રહેશે.'



    બંને પક્ષોએ આવકાર્યો સુપ્રીમનો આદેશ

    કોંગ્રેસ-જેડીએસના વકીલ અભિષેક મનુ સિંઘવીએ બંન્ને પાર્ટીઓ તરફથી કાલે જ ફ્લોર ટેસ્ટ કરવાની વાત પર સહમતિ દર્શાવી છે. તેમણે સવાલ કર્યો હતો કે રાજ્યપાલે કઇ રીતે ધારી શકે કે ભાજપ બહુમતી સાબિત કરી શકે છે, જ્યારે બહુમતી જેડીએસ અને કોંગ્રેસ પાસે છે. સુપ્રીમ કોર્ટમાં કુમારસ્વામી તરફથી આવેલા કપિલ સિબ્બલે કહ્યું કે આવા મામલામાં રાજ્યપાલને પોતાના વિશેષાધિકારનો ઉપયોગ ન કરવો જોઇએ?. બીજી બાજુ બીએસ યેદિયુરપ્પાએ કાલે ફ્લોર ટેસ્ટ કરાવવાનો વિરોધ કર્યો છે. બીજેપીના વકીલ મુકુલ રોહતગીએ જરૂરી સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટએ કહ્યું છે કે અમે વધારે સમય નથી આપી શકતા. જો તમામ દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં કાલે સાંજે 4 કલાકે ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આવ્યો છે.

    કોંગ્રેસના વકીલ અશ્વની કુમારે કહ્યું, સુપ્રીમ કોર્ટના નિર્ણયે સંવૈધાનિક નૈતિકતા અને લોકતંત્રની રક્ષા કરી છે. આ નિર્ણયનો અમે સન્માન કરીએ છીએ. સુપ્રીમ કોર્ટમાં લોકોનો વિશ્વાસ ફરીથી વધ્યો છે. તો ભાજપના યેદિયુરપ્પાએ કહ્યું કે ચીફ સેક્રેટરી સાથે વાત કરીશું અને કાલે એસેમ્બ્લી સેશન બોલાવાશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે 100 ટકા બહુમતી સાબિત કરીશું.
    Published by:Sanjay Vaghela
    First published: