મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ : સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ પાઠવી, સોમવારે સવારે ફરીથી સુનાવણી થશે

Youtube Video

સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા શિવસેના તરફથી જણાવવામાં આવ્યું હતું કે, જો અમને મોકો મળે તો અમે આવતીકાલે જ બહુમતિ સાબિત કરી શકીએ છીએ.

 • Share this:
  નવી દિલ્હી/મુંબઈ : શિવસેના, એનસીપી અનો કૉંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.  શિવેસેના તરફથી કપિલ સિબ્બલ, એનસીપી તરફથી અભિષેક મનુ સિંધવી તો બીજેપી તરફથી મુકુલ રોહતગીએ દલીલો કરી હતી. રવિવારે થયેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ પાઠવી હતી. આ મામલે હવે સોમવારે સવારે 10.30 વાગ્યે ફરીથી સુનાવણી થશે. કોર્ટમાં દલીલ કરતા શિવસેના તરફથી જણાવવામાં આવ્યું હતું કે, જો અમને મોકો મળે તો અમે આવતીકાલે જ બહુમતિ સાબિત કરી શકીએ છીએ. જ્યારે સરકાર વતી સોલિસિટીર જનરલે એવી દલીલ કરી હતી કે રાજકીય પક્ષોએ સીધા સુપ્રીમ કોર્ટમાં આવવાને બદલે પહેલા હાઇકોર્ટમાં અરજી કરવી જોઇએ.

  કોર્ટે કેન્દ્ર સરકારને મહારાષ્ટ્રના ગવર્નરનો પત્ર રજૂ કરવાનો આદેશ કર્યો

  સુપ્રીમ કોર્ટે રવિવારે ત્રણેય પક્ષોની અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે તે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્ડ્ર ફડણવીસ દ્વારા રાજ્યપાલને સોંપવામાં આવેલો પત્ર આવતીકાલે સવારે 10.30 વાગ્યા સુધી રજૂ કરે, જેમાં તેમણે બહુમતીનો દાવો કર્યો હોય. રવિવારે યોજાયેલી ખાસ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠે દેવેન્ડ્ર ફડણવીસ, અજિત પવાર, રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. કેન્દ્ર સરકારે સોમવારે સવારે 10.30 વાગ્યા સુધી સુપ્રીમ કોર્ટમાં આ પત્ર રજૂ કરવો પડશે.

  કોર્ટમાં રજૂ થયેલી દલીલો

  સૉલિસિટર જનરલની દલીલ : સૉલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે રાજકીય પક્ષોએ સીધા સુપ્રીમ કોર્ટમાં ન આવવું જોઈએ. પાર્ટીઓએ પહેલા હાઇકોર્ટ જવું જોઈએ. ફક્ત સામાન્ય જનતા જ મૌલિક અધિકારોના હનન માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે, રાજકીય પાર્ટી નહીં.

  બીજેપીના વકીલની દલીલ : મુકુલ રોહતગીએ બીજેપી તરફથી દલીલ કરતા કહ્યુ કે, રવિવારે શા માટે સુનાવણી થઈ રહી છે. કોઈ મરી તો નથી રહ્યું. આટલી ઉતાવળ શું છે. બે-ત્રણ દિવસ પછી પણ સુનાવણી થઈ શકે છે. સાથે જ તેમણે દલીલ કરી કે બીજા પક્ષને સાંભળ્યા વગર કોઈ નિર્ણય લેવામાં ન આવે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે રાજ્યપાલ કોઈ કોર્ટને જવાબ આપવા બંધાયેલા નથી.

  કપિલ સિબ્બલની દલીલ : શિવસેના તરફથી દલીલ કરતા કપિલ સિબ્બલે કહ્યુ કે, અમને મોકો મળે તો અમે કાલે જ બહુમતિ સાબિત કરી શકીએ છીએ. તેમણે માંગણી કરી કે કર્ણાટકની જેમ ઝડપથી બહુમત પરીક્ષણ થાય.

  અભિષેક મનુ સિંધવીની દલીલ : સુપ્રીમ કોર્ટમાં એનસીપી તરફથી દલીલ કરતા અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, કેઈ ચીઠ્ઠી રાજ્યપાલને સોંપવામાં આવી. રાજ્યપાલે તાત્કાલિક કેમ શપથ લેવડાવ્યા? સરકારે તમામ ધારાસભ્યોની પરેડ કરાવવાની જરૂર હતી. અમે ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપી દીધો છે. ધારાસભ્યોએ અજીત પવારનો વિરોધ કર્યો છે. 54માંથી 41 ધારાસભ્યોએ અજીત પવારને હટાવવા માટે લખ્યું છે. તેઓ હવે ધારાસભ્ય દળના નેતા નેથી.

  શરદ પવારને મનાવવા લાગી બીજેપી!

  મહારાષ્ટ્રમાં સત્તા માટેના સંગ્રામ વચ્ચે બીજેપી હવે એનસીપીના પ્રમુખ શરદ પવારને મનાવવા માટે પ્રયાસ કરી રહી છે. બીજેપીના સાંસદ સંજય કાકડે શરદ પવારને મળવા માટે તેમના ઘરે પહોંચી ગયા છે. સંજય કાકડેને શરદ પવારના નજીકના માનવામાં આવે છે. જ્યારે એનસીપી નેતા જયંત પાટિલ પણ શરદ પવારના ઘરે પહોંચી ગયા છે. તમામ નેતાઓ વચ્ચે વર્તમાન રાજનીતિ હાલત પર ચર્ચા થવાની સંભાવના છે.

  શિવસેના-કૉંગ્રેસ-એનસીપીની સુપ્રીમ કોર્ટમાં અરજી

  શનિવારે શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી વતી અરજી દાખલ કરતા વકીલ સુનીલ ફર્નાન્ડિસે અરજી દાવો કર્યો છે કે, 'બીજેપીની લઘુમતિવાળી સરકાર બનાવવા માટે રાજ્યપાલનું કામ અયોગ્ય અને ગેરબંધારણીય છે. શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધન પાસે 288 સભ્યો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં સંયુક્ત રીતે સ્પષ્ટ બહુમતિ છે. બીજેપી પાસે બહુમતિ માટે જરૂરી 144 ધારાસભ્યોનો આંકડો નથી.'

  આ પણ વાંચો : મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ : NCPનાં 5 ધારાસભ્યોએ સવારે સરકાર બનાવડાવી, સાંજે પાર્ટીમાં પરત ફર્યાં!

  એનસીપી, કૉંગ્રેસ અને શિવસેનાની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યપાલ કોશ્યારીનું શનિવારનું કૃત્ય (23 નવેમ્બરના રોજ શપથ ગ્રહણ કરાવવા) એ વાતનું ઉદાહરણ છે કે તેઓ કેન્દ્રની સત્તાધારી પાર્ટીના ઇશારે કામ કરી રહ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ મામલાના તથ્યો જણાવે છે કે રાજ્યપાલે બંધારણીય પદની ગરીમા જાળવી નથી અને ગેરબંધારણીય રીતે સત્તા હડપ કરવાની બીજેપીની ઈચ્છા પર પોતાની મહેરો મારી છે.

  કૉંગ્રેસે ધારાસભ્યોને હૉટલમાં ખસેડશે

  મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે કૉંગ્રેસ પાર્ટીએ પોતાના ધારાસભ્યોને જેડબ્લ્યૂ મેરિયટ હૉટલમાં ખસેડવાનો નિર્ણય કર્યો છે. આ હૉટલ દેશની આર્થિક રાજધાની મુંબઈના અંધેરી વિસ્તારમાં છે.
  Published by:Vinod Zankhaliya
  First published: