નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ પોતાની પત્ની સાથે મારપીટ કરનારા એક શખ્સની આગોતરા જામીન અરજી નકારતા જણાવ્યું હતું કે પત્નીને સાસરીમાં કોઈપણ પ્રકારની ઈજા થાય તો તેના માટે જવાબદાર પતિ રહેશે. મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડે (CJI SA Bobde) ની બેન્ચે કહ્યું કે સાસરીમાં મહિલા પર ભલે બીજા કોઈ સંબંધીએ હુમલો કર્યો હોય પણ તેની પ્રાથમિક જવાબદારી તેના પતિ (Husband)ની રહેશે.
સુપ્રીમ કોર્ટમાં જે કેસની સુનવણી ચાલી રહી છે તેમાં પુરૂષના આ ત્રીજા લગ્ન છે જ્યારે મહિલાના બીજા. લગ્નના એક વર્ષ બાદ 2018માં દંપતિને એક બાળક જનમ્યું. ગયા વર્ષે પોતાના પર કથિત હુમલામાં મહિલાએ લુધિયાણા પોલીસમાં તેના પતિ, સસરા અને સાસુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સાસરીવાળા વધુ દહેજ માંગતા હતા.
મહિલાના પતિને CJIએ પૂછ્યું, કેવા માણસ છો તમે?
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા શરદ અરવિંદ બોબડેની બેન્ચ સમક્ષ મહિલાના પતિના વકીલે જામીનની માગ ચાલુ રાખી હતી. CJIની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું કે, કેવા પ્રકારના માણસ છો તમે? મહિલાનો આરોપ છે કે તમે તેની ગળું દબાવીને હત્યા કરવાના હતા. તેણે આરોપ લગાવ્યો છે કે તમે તેને ગર્ભપાત માટે મજબૂર કરી. તમે કેવા પ્રકારના માણસ છો જે પોતાની પત્નીને મારવા ક્રિકેટ બેટનો ઉપયોગ કરો છો?
મહિલાના પિતાએ પતિ પર આરોપ લગાવ્યો છે કે તેમની દીકરીને મારવા માટે બેટનો ઉપયોગ કરવામાં આવ્યો. તેના પર સીજેઆઈએ કહ્યું કે, તેનાથી કોઈ ફેર નથી પડતો કે પતિએ મારપીટ માટે શેનો ઉપયોગ કર્યો. જ્યારે કોઈપણ મહિલાને સાસરીમાં કોઈ ઈજા થાય કે તેની સાથે મારપીટ થાય તો તેની પ્રાથમિક જવાબદારી પતિની છે. માટે પતિને આગોતરા જામીન આપવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો.
ઉલ્લેખનીય છે કે 2020માં ઘરેલુ હિંસા (Domestic Violence)ના કેસમાં ઘણી વૃદ્ધિ થઈ છે. કરોના મહામારીને કારણે લોકોને ઘરમાં વધુ રહેવુ પડ્યું અને સ્ત્રીઓ પર અત્યાચાર વધ્યો. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો નોંધનીય છે જેમાંસ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સાસરીમાં મહિલાને કોઈપણ ઈજા થાય તો તેની પ્રાથમિક જવાબદારી પતિની બને છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર