ન્યૂઝ18 ગુજરાતી: કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)ના બે સૌથી સિનિયર અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની વચ્ચે ચાલી રહેલા જંગને લઈને સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે પણ સુનાવણી થઈ. મામલાની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે આ મામલામાં સરકાર નિષ્પક્ષ કેમ નથી? સુપ્રીમે સરકારને સવાલ કર્યો કે વર્માને હટાવતાં પહેલાં સિલેક્શન કમિટી સાથે સલાહ લેવામાં શું ખોટું હતું? તેમને રાતોરાત કેમ હટાવી દીધા હતા?
આલોક વર્મા તરફથી સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું કે સીબીઆઈમાં એક નિદેશક હોવા છતાંય કાર્યકારી નિદેશક ન હોઈ શકે. જેમ એક મુખ્ય ન્યાયાધીશ હોય છતાંય બીજા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ ન થઈ શકે, તેવી જ રીતે સીબીઆઈમાં આવો કોઈ નિયમ નથી.
આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) રંજન ગોગોઈની બેન્ચ કરી રહી છે. સુનાવણી દરમિયાન સીજેઆઈએ કહ્યું કે, સીબીઆઈના બે સિનિયર અધિકારીઓની વચ્ચેની લડાઈ એક રાતમાં શરૂ નથી થઈ. એવામાં સરકારે પસંદગી સમિતિ સાથે પરામર્શ કર્યા વગર કેવી રીતે સીબીઆઈના નિદેશક આલોક વર્માને તેમની શક્તિઓથી વંચિત કરી દીધા?
સીજેઆઈ ગોગોઈએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે, સરકારે 23 ઓક્ટોબરે સીબીઆઈના નિદેશક આલોક વર્માની તમામ સત્તાઓ છીનવી લેવાનો રાતોરાત નિર્ણય લેવા માટે કોણે પ્રેરિત કર્યા? જ્યારે વર્મા થોડાક મહિનાઓ બાદ નિવૃત્ત થઈ રહ્યા હતા, તો સરકારે થોડાક મહિના વધુ રાહ કેમ ન જોઈ? પસંદગી સમિતિ સાથે પરામર્શ કેમ ન કરવામાં આવ્યું? ઉલ્લેખનીય છે કે, આલોક વર્માના બે વર્ષનો કાર્યકાળ 31 જાન્યુઆરી 2019ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર