નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ શનિવારે એક અગત્યની સુનાવણી દરમિયાન સગીરા સાથે દુષ્કર્મ (Rape)ના આરોપી 84 વર્ષીય વૃદ્ધનો ડીએનએ ટેસ્ટ (DNA Test) કરાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી કરતાં કહ્યું કે, બાળકના પિતા વિશે જાણવા માટે બાળક અને આરોપી બંનેના ડીએનએ ટેસ્ટ કરવા જરૂરી છે.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં પહોંચેલો આ મામલો પશ્ચિમ બંગાળના મટિગરા વિસ્તારનો છે. આ ઘટના વર્ષ 2012ની છે. આ સમગ્ર મામલાનો આરોપી 84 વર્ષીય એક વૃદ્ધ છે, જેની પર 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો આરોપ છે. દુષ્કર્મ બાદ સગીરાએ એક બાળકને જન્મ આપ્યો, જેના પિતાને લઈ હવે માલમો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.
આરોપીના વકીલ કપિલ સિબ્બલે બચાવમાં દલીલ કરી છે કે વૃદ્ધનું આરોગ્ય અને ઉંમર એવી નથી કે તેઓ કોઈ સગીરાની સાથે દુષ્કર્મ કરી શકે. જોકે, સુપ્રીમ કોર્ટે વૃદ્ધના વકીલની દલીલોને ફગાવી દેતાં વૃદ્ધ અને બાળકના ડીએનએ ટેસ્ટ કરાવવાનો આદેશ જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ મામલામાં વૃદ્ધે પહેલા કોલકાતા હાઈકોર્ટમાં જામીનની અરજી દાખલ કરી હતી, પરંતુ ત્યાં તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ આ મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. નોંધનીય છે કે, જે સમયે આ ઘટના બની હતી તે સમયે વૃદ્ધની ઉંમર 76 વર્ષ હતી. જસ્ટિસ અશોક ભૂષણે કેસની સુનાવણી કરતાં વૃદ્ધના ડીએનએ ટેસ્ટનો આદેશ જાહેર કર્યો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર