નાગરિકતા કાયદા પર રોક લગાવવા સુપ્રીમનો ઇન્કાર, કેન્દ્ર પાસે 4 સપ્તાહમાં માંગ્યો જવાબ

ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું છે કે કેન્દ્રના જવાબ બાદ પાંચ જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરશે કે તેની પર સ્ટે લગાવવો કે નહીં

ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું છે કે કેન્દ્રના જવાબ બાદ પાંચ જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરશે કે તેની પર સ્ટે લગાવવો કે નહીં

 • Share this:
  નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act-CAA)ને લઈ દાખલ 140થી વધુ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં બુધવારે સુનાવણી થઈ. આ દરમિયાન વકીલોએ એક પછી એક પોતાની રજૂઆત કરી. ચીફ જસ્ટિસ (CJI) એસ.એ. બોબડે, જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે આ તમામ અરજીઓ પર જવાબ આપવા માટે કેન્દ્ર સરકારને 4 સપ્તાહનો સમય આપ્યો છે.

  આજની સુનાવણી ખતમ થતાં પહેલા સુપ્રીમ કોર્ટે દેશભરના અલગ-અલગ હાઈકોર્ટમાં CAAની વિરુદ્ધ દાખલ અરજીઓ પર કોઈ પણ આદેશ જાહેર કરવા પર રોક લગાવી દીધો છે. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું છે કે કેન્દ્રના જવાબ બાદ પાંચ જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરશે કે તેની પર સ્ટે લગાવવો કે નહીં. હવે આ મુદ્દા પર ચાર સપ્તાહ બાદ સુનાવણી થશે. તે દિવસે બંધારણીય બેન્ચ બનાવવા અંગે નિર્ણય લેવાશે.

  સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે નાગરિકતા કાયદાની પ્રક્રિયાને ત્રણ મહિના માટે ટાળવાની માંગ કરી, જેની પર કોર્ટે કહ્યું કે તે કોઈ એકતરફી રોક ન લગાવી શકે. તમામ અરજીઓને સાંભળ્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે, 140થી વધુ અરજીઓમાં કેટલીક અરજીઓ નાગરિકતા કાયદાના સમર્થનમાં પણ છે.  સુનાવણી પહેલા ધરણાં પર બેઠી મહિલાઓ

  આ પહેલા મંગળવાર મોડી રાત્રે કેટલીક મહિલાઓ CAAના વિરોધમાં સુપ્રીમ કોર્ટની બહાર ધરણાં પર બેઠી હતી. જોકે, પોલીસ દ્વારા સમજાવ્યા બાદ મહિલાઓએ ધરણાં ખતમ કરી દીધા. મળતી જાણકારી મુજબ, આ દરમિયાન એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી હતી.

  શું છે નાગરિકતા કાયદો?

  સંશોધિત નાગરિકતા કાયદામાં નરેન્દ્ર મોદી સરકારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક દમન સહન કરનારાં હિન્દુ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને પારસી સમુદાયના લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કરી છે. આ કાયદામાં આ પડોશી દેશોના મુસલમાોને સામેલ નથી કરવામાં આવ્યા. 10 જાન્યુઆરીથી આ કાયદો લાગુ થઈ ચૂક્યો છે.

  કેમ વિરોધ થઈ રહ્યો છે?

  સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓમાં કહેવામાં આવ્યું કે ભારતમાં ધર્મના આધારે ભેદભાવ ન કરી શકાય. આ દેશના બંધારણનું ઉલ્લંઘન છે. તેથી આ કાયદાને રદ કરી તેમાં મુસલમાનોને પણ સામેલ કરવામાં આવે. સાથોસાથ અનેક અન્ય દેશમાં પણ લોકો ધાર્મિક દમન ભોગવે છે તો તેમને પણ ભારતમાં સ્થાન મળવું જોઈએ.

  અમિત શાહે કહ્યું, CAA પર એક ઈંચ પણ પાછળ નહીં હટીએ

  ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે લખનઉમાં એક જાહેરસભાને સંબોધિત કરતાં નાગરિકતા કાયદા પર કહ્યું કે, જેણે જેટલો વિરોધ કરવો છે તે કરે પરંતુ CAA પરત નહીં લેવાય. સરકાર આ કાયદાને લઈ એક ઈંચ પણ પાછળ નહીં હટે. શાહે વિપક્ષને પડકારતાં કહ્યું કે તેઓ જણાવે કે નાગરિકતા કાયદામાં ક્યાં કોઈની નાગરિકતા લેવાની વાત લખેલી છે. ગૃહમંત્રીએ વિપક્ષ પર આરોપ લગાવ્યો કે માત્ર વોટબેંકના રાજકારણ માટે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

  આ રાજ્યોમાં લાગુ નહીં થાય

  નાગરિકતા સંશોધન કાયદો આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મણિપુરના કેટલાક વિસ્તારોમાં લાગુ નહીં થાય. કેન્દ્ર સરકારે તેના માટે ઇનર લાઇન પરમિટ જાહેર કરી દીધી છે. તેને કારણે આ કાયદો લાગુ નહીં થાય. નોંધનીય છે કે, પૂર્વોત્તરના રાજ્યો ખાસ કરીને આસામ, મણિપુર અને મેઘાલયમાં આ કાયદાનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે.

  આ પણ વાંચો, દાવોસમાં ઈમરાને ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, ટ્રમ્પે કહ્યું- હું હજુ પણ મદદ કરવા તૈયાર
  Published by:Mrunal Bhojak
  First published: