ન્યૂઝ18 ગુજરાતી: આઈપીએસ અધિકારી એમ નાગેશ્વર રાવને સીબીઆઈના ઇન્ટરીમ ડાયરેક્ટર નિમવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ પિટિશનને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. કોમન કોજ નામની એનજીઓની પિટિશન પર સુપ્રીમ કોર્ટ આગામી સપ્તાહે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એનએલ રાવ અને જસ્ટિસ એસકે કૌલની બેન્ચની સામે બુધવાર આ મામલાને રજૂ કરવામાં આવ્યો.
એનજીઓ કોમન કોજ અને આરટીઆઈ કાર્યકર્તા અંજલિ ભારદ્વાજ તરફથી રજૂ થયેલા સિનિયર વકીલ પ્રશાંત ભૂષણે બેન્ચને શુક્રવારે આ મામલે સુનાવણી કરવાનો અનુરોધ કર્યો. તેની પર સીજેઆઈ ગોગોઈએ કહ્યું કે, આ મામલાની સુનાવણી શુક્રવારે કરવી અશક્ય છે. આગામી સપ્તાહે સુનાવણી કરવામાં આવશે.
સીબીઆઈના નવા ડાયરેક્ટરની નિયુક્તિ થાય ત્યાં સુધી સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર રાવને 10 જાન્યુઆરીએ ઇન્ટરીમ ડાયરેક્ટરની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી હાઇ લેવલ કમિટીએ આલોક વર્માને ભ્રષ્ટાચાર અને કર્તવ્યની ઉપેક્ષાના આરોપને કારણે એજન્સીના પ્રમુખ પદેથી હટાવી દીધા હતા.
આ સમિતિમાં વડાપ્રધાન મોદી ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સીજેઆઈ રંજન ગોગોઈના પ્રતિનિધિ તરીકે જસ્ટિસ એકે સીકરી પણ હતા.
આ પિટિશનમાં સીબીઆઈના ડાયરેક્ટરની નિયુક્તિની પ્રક્રિયામાં પાદરર્શિતા સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ વ્યવસ્થા બનાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. પિટિશનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે નાગેશ્વર રાવની નિયુક્તિ હાઇ લેવલ કમિટીની ભલામણના આધારે નથી કરવામાં આવી.
પિટિશનકર્તા અનુસાર નાગેશ્વર રાવને ઇન્ટરીમ ડાયરેક્ટર નિયુક્ત કરવાના સરકારના ગયા વર્ષના 23 ઓક્ટોબરના આદેશને સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીને નકારી કાઢ્યો હતો. પરંતુ સરકારે મનફાવે તેમ, ગેરકાયદેસર, દુર્ભાગ્યપૂર્ણ રીતે પગલું ઉઠાવતા અને ડીએસપીઈ કાયદાનું ઉલ્લંઘન કરતાં ફરી આ નિયુક્તિ કરી દીધી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર