રચના ઉપાધ્યાય, નવી દિલ્હી : ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ ટૂંક સમયમાં શરૂ થવાની છે તે પહેલા નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દેશભરના સ્ટુડન્ટ્સ સાથે પરીક્ષા પર ચર્ચા (Pariksha Par Charcha 2020) કરવાના છે. પરીક્ષા પર ચર્ચાનું આયોજન દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે 20 જાન્યુઆરીએ કરવામાં આવશે. આ ચર્ચામાં સામેલ થવા માટે ગુજરાતથી આવેલા સ્ટુડન્ટ્સે જણાવ્યું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી અનેક સવાલો પર જવાબ જાણવા માંગીએ છીએ. અમને ખુશી છે કે અમને વડાપ્રધાનને મળવાની તક મળી રહી છે.
દિલ્હી પહોંચેલા ગુજરાતના સ્ટુડન્ટ્સે જણાવ્યું કે, કોમ્પિટિશનને પાર કરીને અમે પરીક્ષા પર ચર્ચામાં આવવાની તક મળી છે. તેઓએ એમ પણ જણાવ્યું કે પરીક્ષા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી અમે ટિપ્સ મેળવીશું અને તેમની પાસેથી જાણવા માંગીશું કે પરીક્ષા દરમિયાન પ્રેશર ફ્રી કેવી રીતે રહી શકાય અને સારા ભવિષ્ય માટે અમે કેવા પ્રકારનું ટાઇમ મેનેજમેન્ટ કરવું જોઈએ.
ગુજરાતથી આવેલા કેટલાક સ્ટુડન્ટ્સે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન જે રીતે પોતાની વાતોથી સૌને મંત્રમુગ્ધ કરે છે, અમે પણ આ મંત્ર જાણવા માંગીએ છીએ. કેટલાક સ્ટુડન્ટ્સનું કહેવું હતું કે પરીક્ષા દરમિયાન રમવા જવા પર ઘરવાળા અને શિક્ષકો ભાર મૂકે છે. અમે વડાપ્રધાન પાસેથી જાણવા માંગીશું કે પરીક્ષાની સાથોસાથ સ્પોર્ટ્સનું જીવનમાં શું મહત્વ છે.
સ્ટુડન્ટ્સની સાથે ગુજરાતથી આવેલા શિક્ષકોએ પણ કહ્યું કે, અમને ખૂબ ખુશી થઈ રહી છે કે પરીક્ષા પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની તક મળશે. અમે સ્ટુડન્ટ્સને સમજાવીએ છીએ કે પ્રેશન લેવાની જરૂર નથી. સમગ્ર વર્ષ જો અભ્યાસ કર્યો છે તો પરીક્ષા દરમિયાન કોઈ પ્રકારના તણાવમાં ન આવો અને અમે બાળકોને એવું પણ કહીએ છીએ કે ટાઇમ મેનેજમેન્ટ કરો જેથી પરીક્ષા દરમિયાન કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય.