કાબુલ : તાલિબાન દ્વારા પહેલો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. ખામા ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, અફઘાનિસ્તાનના હેરત પ્રાંતમાં તાલિબાન અધિકારીઓએ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓને આદેશ આપ્યો છે કે, છોકરીઓને અને છોકરાઓને સાથે એક જ વર્ગમાં બેસવા દેવામાં આવશે નહીં. યુનિવર્સિટીના વ્યાખ્યાતાઓ, ખાનગી સંસ્થાઓના માલિકો અને તાલિબાન અધિકારીઓ વચ્ચે ત્રણ કલાકની બેઠકમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સહ-શિક્ષણ ચાલુ રાખવું એ કોઈ વિકલ્પ નથી અને તેને નાબૂદ કરવો જોઈએ. અફઘાનિસ્તાનમાં સહ-શિક્ષણ અનેઅલગ-અલગ કક્ષાઓની મિશ્ર પ્રણાલી છે, જેમાં શાળાઓ અલગ વર્ગો ચલાવે છે, જ્યારે દેશભરની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં સહ-શિક્ષણ લાગુ છે.
હેરાત પ્રાંતના વ્યાખ્યાતાઓએ દલીલ કરી છે કે, સરકારી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ અલગથી વર્ગોનું સંચાલન કરી શકે છે, પરંતુ ખાનગી સંસ્થાઓ મહિલા વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યાને કારણે અલગ વર્ગો આપી શકતી નથી. અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતના ઉચ્ચ શિક્ષણના વડા, મુલ્લા ફરીદ, જે હેરાતમાં બેઠકમાં તાલિબાનનું પ્રતિનિધિત્વ કરતા હતા, તેમણે કહ્યું છે કે, સહ-શિક્ષણ નાબૂદ થવું જોઈએ કારણ કે આ વ્યવસ્થા સમાજમાં તમામ દુષ્ટતાનું મૂળ છે.
ફરિદે એક વિકલ્પ તરીકે સૂચવ્યું કે, સ્ત્રી વ્યાખ્યાતા અથવા વૃદ્ધ પુરુષો જે સદ્ગુણી છે તેમને સ્ત્રી વિદ્યાર્થીઓને ભણાવવાની મંજૂરી રહેશે અને સહ-શિક્ષણ માટે ના તો કોઈ વિકલ્પ છે અથવા વાજબીપણું છે. હેરાતના વ્યાખ્યાતાઓએ કહ્યું કે, ખાનગી સંસ્થાઓને અલગ વર્ગો પરવડી શકે તેમ ન હોવાથી હજારો છોકરીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી શકે છે. તમને જણાવી દઈએ કે, પ્રાંતમાં ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં આશરે 40,000 વિદ્યાર્થીઓ અને 2,000 વ્યાખ્યાતા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર