Home /News /national-international /કોરોનાથી મરતી માતા માટે લાચાર દીકરાએ વીડિયો કૉલ પર ગાયું- ‘તેરા મુજસે હૈ પહલે કા નાતા કોઈ...’ ડૉક્ટર-નર્સો રડી પડ્યાં

કોરોનાથી મરતી માતા માટે લાચાર દીકરાએ વીડિયો કૉલ પર ગાયું- ‘તેરા મુજસે હૈ પહલે કા નાતા કોઈ...’ ડૉક્ટર-નર્સો રડી પડ્યાં

પ્રતીકાત્મક તસવીર

‘તેરા મુજસે હૈ પહલે કા નાતા કોઈ...’ અંતિમ શ્વાસો લઈ રહી હતી માતા, ડૉક્ટરે વીડિયો કૉલ કર્યો તો દીકરાએ આવી રીતે આપી વિદાય

નવી દિલ્હી. દેશમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave)માં અસંખ્ય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. રોજેરોજ સામે આવી રહેલા સંક્રમણના લાખો કેસ અને મોતના આંકડા લોકોમાં ડર ઊભા કરી રહ્યા છે. કોઈ પણ સંક્રમિત દર્દી (Covid Patients)ની તબિયત બગડતાં તેના પરિજનોના મનમાં તેમને ગુમાવી દેવાનો ડર ઊભો થઈ જાય છે. આ બધાની વચ્ચે આવા પરિવારોની લાચારીને નજીકથી જોતાં કોરોના વોરિયર્સ (Corona Warriors) પણ પોતાના અનુભવોને સોશિયલ મીડિયાના માધ્યમથી શૅર કરી રહ્યા છે.

આવી જ એક કોરોના વોરિયર ડૉક્ટર દીપશિખા ઘોષ (Dipshikha Ghosh)એ જે જણાવ્યું તેને જાણીને કોઈ વ્યક્તિ ભાવુક થઈ જશે. દીપશિખાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, આજે મારી શિફ્ટ પૂરી થવાના ઠીક પહેલા મેં કોરોનાના કારણે પોતાના છેલ્લા શ્વાસ ગણી રહેલી એક મહિલાના દીકરાને વીડિયો કોલ કર્યો. અમે અમારી હૉસ્પિટલમાં અનેકવાર આવું કરીએ છીએ જેથી કોઈની અંતિમ ઈચ્છા પૂરી કરી શકાય. મહિલાના દીકરાએ મારી પાસે થોડોક સમય માંગ્યો અને વીડિયો કોલ ઉપર જ પોતાની મરતી માતા માટે તેણે એક ગીત ગાયું.

આ પણ જુઓ, ‘પ્લીઝ કોરોના મામલે બિનજવાબદાર ન બનો...’ જુઓ ગર્ભવતી ડૉક્ટરનો છેલ્લો Video Message

‘તેરા મુજસે હૈ પહલે કા નાતા કોઈ...’

બીજા ટ્વીટમાં દીપશિખાએ જણાવ્યું કે, મહિલાના દીકરાએ માતાને જોતા-જોતા ગાયું- તેરા મુજસે હૈ પહલે કા નાતા કોઈ...હું ફોન લઈને તે મહિલાને જોતી જ રહી ગઈ. નર્સો આવીને ચૂપચાપ આસપાસમાં ઊભી રહી ગઈ. દીકરો ગીત ગાતા-ગાતા ચોધાર આંસુએ રડી પડ્યો અને મારો આભાર માનીને તેણે ફોન મૂકી દીધો. ત્યારબાદ હું અને તમામ નર્સો ભીની આંખે ત્યાં ઊભા રહ્યા અને ડાયાલિસિસ યૂનિટનું એલાર્મ વાગતાં તમામ પોતપોતાના દર્દીઓની પાસે ગયા. આ ગીતનો મતલબ હવે અમારા માટે બિલકુલ બદલાઈ ગયો.

આ પણ વાંચો, Positive India: રિક્ષાને બનાવી Ambulance, કોવિડ દર્દીઓને મફતમાં પહોંચાડે છે હૉસ્પિટલ

નોંધનીય છે કે, કોરોના વાયરસના કહેરના કારણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,62,727 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 4,120 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,37,03,665 થઈ ગઈ છે. કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 97 લાખ 34 હજાર 823 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,52,181 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 37,10,525 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,58,317 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
First published:

Tags: Corona patients, Corona Second Wave, Corona Warrior, Coronavirus, COVID-19