માનવ તસ્કરી કેસમાં દલેર મહેંદી દોષી, બે વર્ષની સજા

 • Share this:
  પંજાબના પટિયાલા સ્થિત કોર્ટે પ્રસિદ્ધ ગાયક દલેર મેહંદીને ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાના કેસમાં દોષી જાહેર કર્યા છે. કોર્ટે તેને બે વર્ષની સજા સંભળાવી છે. જોકે, સજાના કલાકમાં જ પોપ સિંગરને જામીન મળી ગયા હતા.

  દલેર મહેદી અને તેના ભાઈ શમશેર સિંહ પર આરોપ હતો કે તે અમુક લોકોને પોતાની ટીમનો હિસ્સો ગણાવીને ગેરકાયદેસર રીતે વિદેશ લઈ ગયા હતા. તેમના પર આરોપ છે કે તેમણે આ કામ માટે મોટી રકમની વસુલાત કરી હતી.

  મહેંદી અને તેના ભાઈએ 1998 અને 1999 દરમિયાન બે વખત અમેરિકામાં શો કર્યા હતા. આ દરમિયાન તેઓ પોતાની ટીમ સાથે અમેરિકા ગયા હતા. એવો આરોપ છે કે તેમણે પોતાના ગ્રુપના 10 સભ્યોને ત્યાં જ રોકી દીધા હતા. આ લોકોને તેમણે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસાડ્યા હતા.

  એક અભિનેત્રી સાથે અમેરિકાની યાત્રા પર ગયેલા દલેર મહેંદીએ કથિત રીતે ત્રણ યુવતીઓને સાન ફ્રાન્સિસ્કોમાં જ છોડી દીધી હતી. ઓક્ટોબર 1999માં બંને ભાઈઓ ફરી એક વખત અમુક અભિનેતાઓ સાથે અમેરિકા ગયા હતા અને એ દરમિયાન તેમણે ત્રણ છોકરાઓને ન્યૂઝર્સીમાં છોડી દીધા હતા.

  બક્ષિશ સિંઘે કરેલી ફરિયાદ બાદ બંને ભાઈઓ સામે પટિયાલા પોલીસે બંને ભાઈઓ સામે એફઆઈઆર દાખલ કરી હતી. બાદમાં બંને ભાઈઓ વિરુદ્ધ છેતરપિંડીની આવી જ 35 ફરિયાદ પોલીસને મળી હતી. ફરિયાદ કરનાર લોકોનો દાવો હતો કે બંને ભાઈઓએ તેમને અમેરિકા મોકલવા માટે મોટી રકમ લીધી છે પરંતુ તેમને અમેરિકા મોકલ્યા ન હતા.

  પટિયાલા પોલીસે આ સંદર્ભે નવી દિલ્હીના કનોટ પ્લેસ ખાતે આવેલી દલેર મહેંદીની ઓફિસમાં દરોડા પણ કર્યા હતા અને અમુક દસ્તાવેજ જપ્ત કર્યા હતા. આ દસ્તાવેજમાં પોલીસને એક ફાઇલ મળી હતી જેમાં દલેરને જે લોકોએ પૈસા આપ્યા હતા તેની માહિતી હતી.

  2006ના વર્ષમાં પટિયાલા પોલીસે દલેર મહેંદીને નિર્દોષ જાહેર કરવા માટે બે ડિસ્ચાર્જ અરજી પણ દાખલ કરી હતી. જોકે, કોર્ટે અભિનેતા સામે પૂરતા પુરાવા હોવાનું જણાવી તેની સામે કેસ ચાલુ રાખ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: