Singapore: કોરોના વેક્સીન લીધા બાદ 16 વર્ષના કિશોરને આવ્યો હાર્ટ એટેક, સરકાર આપશે 1.5 કરોડ રૂપિયા

પ્રતીકાત્મક તસવીર

Corona vaccine: સરકારે વિચારણા કર્યા બાદ તેને વળતર આપવાની જાહેરાત કરી હતી. હાલ છોકરાની હાલત સામાન્ય છે. ત્યારે આ ઘટનાએ તે છોકરાને અચાનક કરોડપતિ બનાવી દીધો છે.

  • Share this:
નવી દિલ્હી: કોરોનાએ સમગ્ર વિશ્વમાં છેલ્લા એક વર્ષથી હાહાકાર મચાવ્યો છે. જેને લઈને સમગ્ર વિશ્વમાં કોરોના રસીકરણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં સિંગાપોર (Singapore)માં બનેલી એક ઘટના દરેકનું ધ્યાન ખેંચી રહી છે. સિંગાપોરમાં એક 16 વર્ષના છોકરાને કોરોના રસીનો ડોઝ (Corona vaccine dose) લીધા બાદ હાર્ટ એટેક (Heart attack) આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કિશોરને ફાઈઝર રસી (Pfizer Vaccine)નો ડોઝ આપવામાં આવ્યો હતો. જોકે, રસી લીધાના 6 દિવસ બાદ જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેણે સિંગાપોર સરકાર પાસે વળતરની માંગ કરી હતી. સરકારે વિચારણા કર્યા બાદ તેને વળતર આપવાની જાહેરાત કરી હતી. હાલ છોકરાની હાલત સામાન્ય છે. ત્યારે આ ઘટનાએ તે છોકરાને અચાનક કરોડપતિ બનાવી દીધો છે.

વળતરમાં મળશે 1.5 કરોડ રૂપિયા

આ અંગે સિંગાપોર સરકારે જણાવ્યું કે 16 વર્ષના છોકરાને 2 લાખ 25 હજાર ડોલર એટલે કે લગભગ 1.5 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ સુવિધા સિંગાપોર વેક્સીન ઇન્જરી ફાઈનાન્શિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ (VIFAP) હેઠળ આપવામાં આવશે.

હાર્ટ એટેક કેવી રીતે આવ્યો?

તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે રસી લીધા પછી યુવાકને માયોકાર્ડિટિસ (Myocarditis)ની સમસ્યા થઇ હતી, જેના કારણે તેને આ હાર્ટ એટેક આવ્યો હતો. રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે કોરોના રસીથી માયોકાર્ડિટિસ થવાની સંભાવના છે. એવી પણ આશંકા છે કે વધારે પડતું કેફીન (Caffeine)નું સેવન અને ભારે વજન ઉઠાવવાના (Heavy Weightlifting) કારણે તેનાથી હૃદય પર દબાણ આવી શકે છે. હાલ કિશોર હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયતમાં ઘણો સુધારો થઈ રહ્યો છે.

માયોકાર્ડિટિસ શું છે?

માયોકાર્ડિટિસ રોગમાં હૃદય નબળું પડી શકે છે. તે હૃદયરોગનો હુમલો થઇ શકે છે અને મૃત્યુ પણ થઇ શકે છે. આ રોગના સામાન્ય લક્ષણો છાતિમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ છે. તમને જણાવી દઈએ કે માયોકાર્ડિટિસ સામાન્ય રીતે વાયરલ ચેપને કારણે થાય છે. સિંગાપોરના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કિશોરની તબિયત હવે સુધરી રહી છે અને રોજિંદા કામ કોઈપણ સમસ્યા વિના કરી શકે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે VIFAP અરજી બાદ નિયુક્ત કરાયેલી પેનલે શોધી કાઢ્યું હતું કે છોકરાને સ્વસ્થ થવા માટે સારવાર અને રિહેબિલિટેશનની જરૂર પડશે.

આ પણ વાંચો: રાજ્ય સરકારે કોરોનાના ખર્ચને પહોંચી વળવાની જવાબદારી કલેક્ટરોના શિરે નાંખી, દાતાઓ પાસેથી પણ લેશે ફંડ

રસી લીધા બાદ જીમમાં ન જાવ

હેલ્થ સાયન્સ ઓથોરિટીએ ફાર્માકોવિજિલન્સ (Pharmacovigilance) મોનિટરિંગના આધારે કહ્યું છે કે કોરોનાની રસી લીધા બાદ Myocarditis અથવા Pericarditis થઇ શકે છે. જોકે, સ્થાનિક લોકોમાં તે ભાગ્યે જ જોવા મળે છે. મહત્વનું છે કે, સિંગાપોરમાં 1 લાખ ડોઝ પર માત્ર 0.48 લોકો આ સમસ્યાથી પીડાય છે. ઓથોરિટીએ કહ્યું કે કિશોરો અને યુવાનોએ રસી લીધા બાદ ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી શરીરને આરામ આપવો જોઈએ. વેક્સીન લીધા બાદ વ્યક્તિએ એક અઠવાડિયા સુધી જિમ અથવા રમતગમતથી દૂર રહેવું જોઈએ.
Published by:Vinod Zankhaliya
First published: