Sidhu Moose Wala : સિદ્ધુ મુસેવાલાના જૂનમાં થવાના હતા લગ્ન, તૈયારીઓ શરૂ થઇ ગઇ હતી
ઓટોપ્સી રિપોર્ટ અનુસાર સિદ્ધુ મુસેવાલાને સાત ગોળીઓ વાગી હતી
Sidhu Moose Wala Murder : સિદ્ધુ મુસેવાલાની સગાઇ સંગરુરના ભવાનીગઢ પંથકના સરઘેરી ગામની યુવતી સાથે થઇ હતી, જે હાલ કેનેડામાં સ્થાયી છે. બંને પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને યુવતી લગ્ન માટે કેનેડાથી સંગરુર પહોંચી હતી
ચંદીગઢ : પ્રખ્યાત પંજાબી ગાયક શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાના રવિવારે હત્યા (Sidhu Moose Wala Murder Case)કરી દેવામાં આવી હતી. તેની હત્યા પછી અલગ અલગ માહિતી સામે આવી રહી છે. સિંગર સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala)જૂનમાં લગ્નના તાંતણે બંધાવાના હતા. તેમની સગાઇ સંગરુરના ભવાનીગઢ પંથકના સરઘેરી ગામની યુવતી સાથે થઇ હતી, જે હાલ કેનેડામાં સ્થાયી છે. બંને પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને યુવતી લગ્ન માટે કેનેડાથી સંગરુર પહોંચી હતી.
આ વર્ષે જાન્યુઆરીમાં સિદ્ધુ મુસેવાલાની માતાએ મીડિયાને કહ્યું હતું કે, થોડો સમય બાદ તે અપરિણીત નહીં હોય. અમે તેના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે આ વર્ષે વિધાનસભા ચૂંટણી બાદ લગ્ન કરશે. પણ કમનસીબે લગ્નની તૈયારીઓ ચાલતી હતી ત્યાં સિદ્ધુ મુસેવાલાની 29 મે 2022ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી
હુમલામાં 7 ગોળીઓ વાગી
ફરીદકોટ મેડિકલ કોલેજ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પટિયાલાના બે ફોરેન્સિક એક્સપર્ટે મણસા સિવિલ હોસ્પિટલના 3 ડોક્ટરો સાથે મળી સિદ્ધુ મુસેવાલાની ડેડ-બૉડીનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. ઓટોપ્સી રિપોર્ટ અનુસાર સિદ્ધુ મુસેવાલાને સાત ગોળીઓ વાગી હતી. છ ગોળીઓ શરીરની આરપાર થઈ ગઈ હતી. ગોળી વાગવાથી તેમની જમણી કોણી તૂટી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને છાતી અને પેટમાં સૌથી વધુ ગોળીઓ વાગી હતી, જ્યારે બે ગોળી જમણા પગમાં વાગી હતી.
પંજાબની ભગવંત માન સરકારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના સીટિંગ જજની અધ્યક્ષતામાં સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની ન્યાયિક તપાસની જાહેરાત કરી છે. મુસેવાલાની સુરક્ષામાંથી 2 સુરક્ષાકર્મીઓને પરત બોલાવવાના નિર્ણય પર સત્તાધારી આમ આદમી પાર્ટીની સરકારને ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં નોંધનીય છે કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે 28 મેના રોજ મુસેવાલાની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો. જેના બીજા જ દિવસે તેની હત્યા કરવામાં આવી હતી.
પિતા સામે પુત્રનું કમકમાટીભર્યું મોત
સિદ્ધુ મુસેવાલા બુલેટપ્રૂફ કાર અને સુરક્ષાકર્મી વગર ઘરની બહાર નીકળ્યા હતા. બીજી તરફ તેમના જીવને જોખમ હોવાની બીકથી તેના પિતા બલકૌર સિંહ સિદ્ધુની પાછળ ગયા હતા. પોલીસને આપેલા નિવેદનમાં બલકૌર સિંહે દાવો કર્યો હતો કે, તેમના પુત્રને ખંડણીની ધમકી મળી હતી. તેમણે જણાવ્યું હતું કે, જવાહરકે ગામ નજીક મુસેવાલાની થાર જીપની પાછળ કોરોલા કાર આવી રહી હતી. તેમનો પુત્ર બરનાલા ગામ તરફ વળ્યો, ત્યારે તેની જીપની સામે સફેદ રંગની બોલેરો કાર આવીને ઉભી રહી ગઈ હતી, જેમાં 4 શખ્સો સવાર હતા. થોડી જ વારમાં કોરોલા ગાડી પણ ત્યાં આવી પહોંચી હતી. બલકૌરસિંહે પોલીસને જણાવ્યું હતું કે, આ બંને વાહનોમાં સવાર શખ્સોએ તેમના પુત્રની થાર જીપ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.
પ્રખ્યાત પંજાબી ગાયક શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાના અંતિમ સંસ્કાર આજે બપોરે 12 વાગ્યે તેમના વતન મૂસા ખાતે કરવામાં આવશે. સિદ્ધુની ડેડ-બૉડીનું સોમવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને મંગળવારે સવારે તેમના પાર્થિવ દેહને ઘરે લાવવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર