'મારા શરીર પર ઉઝરડા પડી રહ્યા હતા, તે મને બચકા ભરી રહ્યો હતો'

Human of Bombayએ ફેસબુક પર મૂકેલી તસવીર

"આ બધું ચાલી રહ્યું હતું ત્યારે તેણે કોન્ડોમ પહેરવાનો પણ ઇન્કાર કરી દીધો. ત્યારે મને ખબર ન હતી કે મારી સાથે જે બની રહ્યું હતું તેને શારીરિક શોષણ કહેવામાં આવે છે. "

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી :  ગયા વર્ષે ખૂબ જ ચર્ચા જગાવનારી #Me Too ચળવળ દરમિયાન શ્રુતિ ચૌધરી નામની મહિલાએ તેના સહકર્મી પર શારીરિક શોષણ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. તાજેતરમાં આ મહિલાએ "હ્યુમન ઓફ બોમ્બે" વેબસાઇટને તેનો અનુભવ જણાવ્યો છે. આ અંગે વેબસાઇટે એક ફેસબુક પોસ્ટ શેર કરી છે. શ્રુતિ ચૌધરીએ જે-તે સમયે તેના સાથી કર્મચારી દ્વારા કરવામાં આવેલા શારીરિક શોષણ અંગે પોસ્ટ લખી હતી. હવે તેણે તેની સાથે શું બન્યું હતું અને તે બનાવની તેણી પર શું અસર પડી સુધીની માહિતી શેર કરી છે.

  શ્રુતિ ચૌધરીની પોસ્ટ

  "હું એક નાના ગામડામાંથી મારા સપનાઓ પુરા કરવા માટે મુંબઈ આવી હતી. પરંતુ અહીં આવ્યા બાદ હું ફસાઈ ગઈ હતી. એક દિવસ મને ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ મળ્યો. સામેના વ્યક્તિએ મારા લખાણની પ્રશંસા કરીને મને તેના માટે કામ કરવાની ઓફર કરી હતી. અમે ધીમે ધીમે નજીક આવ્યા. મને તેની સાથે સારું લગાવા લાગ્યું. મેં તેને મારી અંગત સમસ્યાઓ પણ કહેવાનું શરૂ કર્યું. અમે અનેક પ્રસંગે મળતાં રહ્યાં. અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ બાંધાયા. અમે સ્કોટલેન્ડના પ્રવાસે ગયા ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું.

  એ એક રાત્રે અમે બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા, તેણે મને રોકી અને મારી નજીક આવવા લાગ્યો. તે જેવી હરકતો કરી રહ્યો હતો તેનાથી હું સમજી ગઈ હતી કે તે બધું કરવા માંગે છે, પરંતુ હું આ માટે તૈયાર ન હતી. તેને જ્યારે આ વાતનું ભાન થયું ત્યારે તેનું વર્તન બદલાઈ ગયું હતું. તે અવિવેકી બની ગયો હતો અને મારી સાથે સરખી વાત પણ કરી રહ્યો ન હતો. ખબર નહીં પરંતુ હું મનોમન કંઈક ખોટું થયાનું વિચારવા લાગી હતી. મને લાગ્યું કે મેં તેને મારી સાથે સુવાની ના કહીને કંઈક ખોટું કર્યું છે. આથી મેં તેને મંજૂરી આપી પરંતુ મારી તેના પ્રત્યેની સારી લાગણીએ મને ખૂબ પીડા આપી. તે ખૂબ કઠોર હતો, મારા શરીર પર ઉઝરડા પડી રહ્યા હતા. તેણે મને બચકા ભરવાનું શરૂ કરી દીધું હતું. મને ખૂબ પીડા થઈ રહી હતી. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે તેણે કોન્ડોમ પહેરવાનો પણ ઇન્કાર કરી દીધો. ત્યારે મને ખબર ન હતી કે મારી સાથે જે બની રહ્યું હતું તેને શારીરિક શોષણ કહેવામાં આવે છે.

  પછી પણ આવું બનતું રહ્યું, હું આ તમામ વાતોને સહજતાથી લેતી હતી. મારી સાથે શું થઈ રહ્યું હતું એ વાતનું ભાન મને ત્યારે થયું જ્યારે મને માલુમ પડ્યું કે તે બીજી મહિલાઓ સાથે પણ સુવે છે. બાદમાં મેં તેની સાથેના સંબંધો પૂરા કરી નાખવાનું નક્કી કર્યું. પરંતુ સાથે જ કામ કરતા હોવાથી અમે સારા મિત્રો બની રહ્યા હતા.

  આ દરમિયાન કોઈ અન્ય મહિલાએ એક પોસ્ટ લખી. પોસ્ટમાં આ વ્યક્તિએ તેણીનું શારીરિક શોષણ કર્યું હોવાનું લખ્યું હતું. મને જ્યારે ખબર પડી કે તેણી સાથે શું થયું હતું ત્યારે મને ભાન થયું કે મારી સાથે પણ કંઈક આવું જ થયું હતું. મને ભાન થયું કે હું પણ પીડિતા છું. ત્યાર પછી મેં નક્કી કર્યું કે આ વ્યક્તિને ખુલ્લો પડવો જોઈએ. કારણ કે અનેક છોકરીઓને તે કોઈ સાથે સંબંધમાં હોય ત્યારે જે બનતું હોય છે તેને શારીરિક શોષણ કહેવામાં આવે છે તેનું ભાન નથી હોતું. આવું સહન કરી શકાય નહી. આથી મેં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી અને થોડી કલાકો માટે મારો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. મેં મારો ફોન ચાલુ કર્યો ત્યાં સુધીમાં મારી પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી. અનેક છોકરીઓએ મને તેમનું પણ શારીરિક શોષણ થયું હોવાની સ્ટોરી મને લખી મોકલી હતી.

  જે રીતે પોસ્ટ વાયરલ થઈ હતી તે મારી ધારણા કરતા ખૂબ વધારે હતી. કોઈએ તો આગળ આવવું જ પડશે એવું માનીને મેં તેની કરતૂતો લોકો સામે મૂકી દીધી. આનાથી અનેકની હિંમત ખુલી હતી. અમારી સાથે જે બન્યું તે બીજી કોઈ છોકરી સાથે ન બને તેવો જ અમારો ઉદેશ્ય હતો. તેની સામે પગલાં લેવામાં આવ્યા અને તે ઉઘાડો પડી ગયો હતો. મને આશા છે કે મારી સ્ટોરીમાંથી અનેક મહિલાઓને લડત લડવાની હિંમત મળી હશે."
  Published by:Vinod Zankhaliya
  First published: