26 જાન્યુઆરીના રોજ ભડકેલી હિંસા બાદ સળગી રહેલા ઉત્તર પ્રદેશના કાસગંજમાં ફરી અશાંતિ કરવાનો પ્રયાસ તોફાની તત્વોએ કર્યો છે. રવિવારે મોડી રાત્રે અજાણ્યા લોકોએ શહેરના ગંજ ડુંડવારા વિસ્તારમાં આગ લગાવી દેવામાં આવી હતી. લોકોને આ અંગેની સૂચના મળતા ફરી તણાવની સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. ઘટનાસ્થળે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અજાણ્યા લોકોએ એક દુકાનમાં આગ લગાડી દીધી હતી. ચોક્કસ સમાજના લોકોની ખાસ દુકાનને આગ લગાવવાને કારણે માહોલ ફરી ખરાબ થઈ ગયો છે. જોકે, પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તરત જ ઘટનાસ્થળેથી ભીડને હટાવી દીધી હતી, અને મોટી સંખ્યામાં ફોર્સ તહેનાત કરી દીધી હતી.
નોંધનીય છે કે તિરંગા યાત્રા દરમિયાન ચંદન ગુપ્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ પાંચ દિવસ સુધી શહરે સળગતું રહ્યું હતું. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી સલિમ સહિત અનેક લોકોની ધરપકડ કરી છે.
શનિવારે એસઓજીની ટીમે એક અન્ય આરોપી રાહત કુરૈશીની ધરપકડ કરી હતી. તેની પાસેથી એક તમંચો અને કારતૂસ પણ મળ્યાં હતાં. કાસગંજ હિંસા બાદથી જ કુરૈશી ફરાર થઈ ગયો હતો.
ઉત્તર પ્રદેશ સરકારે કાસગંજ હિંસા અંગે પોતાનો પ્રાથમિક રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે. રિપોર્ટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, હાલની પરિસ્થિતિ અને સરકાર તરફથી કરવામાં આવેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી આ કેસમાં 143 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિંસા અંગે નોંધવામાં આવેલી 5 એફઆઈઆર સંદર્ભે 37 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 81 લોકોની કલમ-144નું ઉલ્લંઘન કરવાના આરોપમાં ઘરપકડ કરવામાં આવી છે. કાસગંજ હિંસા દરમિયાન શહેરમાં આગ લગાડવા અંગે પણ 7 એફઆઈઆર નોંધવામાં આવી છે.
(ઇનપુટઃ હિમાંશુ ત્રિપાઠી, આગ્રા)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર