કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ નવાઝ શરીફ પર ફેકાયું જૂતું

  • Share this:
    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લાહોરમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા, ત્યાં તેમની પર જુતાથી એટેક કરવામાં આવ્યો હતો. એક વ્યક્તિએ નવાઝ શરીફને જુતું ફટકારી દીધું હતું. આ વ્યક્તિ જામિયા નીમિયાના પૂર્વ વિદ્યાર્થી છે અને કથિત રીતે તહેરીક-એ-લબ્લેક કે રસૂલ અલ્લાહના સભ્ય પણ છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ પર એ સમયે જૂતુ ફેંકાયું જ્યારે તેઓ એક સ્કૂલમાં કાર્યક્રમમાં ભાષણ આપવાના હતા.

    જિયો ટીવીના જણાવ્યા અનુસાર નવાઝ જેવા મંચ પર કાર્યક્રમમાં સામેલ લોકોને સંબોધિત કરવા પહોંચ્યા તેવા જ ઓડિયન્સમાંથી આગળ જ બેસેલા એક વ્યક્તિએ તેમને જૂતું ફટકારી દીધું હતું, જે તેમની છાતી પર જઇને લાગ્યું. ત્યારબાદ જૂતા ફેંકનાર વ્યક્તિ મંચ પર ચઢી સૂત્રોચ્ચાર કરવા લાગ્યો. જોકે પાછળથી નવાઝ શરીફે કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

    પોલીસે કહ્યું કે હુમલાખોરની ઓળખ તલહા મુનવ્વર તરીકે થઇ છે જે આ સ્કૂલનો વિદ્યાર્થી રહી ચૂકયો છે. ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ હુમલાખોરની ધોલાઈ કરી નાંખી હતી. હુમલાખોર લોકોએ વધારે પડતો માર માર્યો હોવાના કારણે તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તે ઉપરાંત પોલીસે કહ્યું કે આ કેસમાં અન્ય બે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.

    તમને જણાવી દઇએ કે શનિવારના રોજ પાકિસ્તાની વિદેશ મંત્રી ખ્વાજા આસિફના ચહેરા પર પણ એક કાર્યક્રમ દરમ્યાન શાહી ફેંકવામાં આવી હતી. જોકે ખ્વાજાએ પોલીસમાં તેની ફરિયાદ કરી નહતી અને શાહી ફેકનારને છોડી દેવામાં આવ્યો હતો.
    Published by:Mujahid Tunvar
    First published: