લાલુ યાદવને સજા સંભળાવનાર જજ શિવપાલને નથી મળી રહ્યો ન્યાય!

જજ શિવપાલના ભાઈ સુરેન્દ્ર પાલ સિંહ

શિવપાલ સિંહ તેમજ તેમના પરિવારજનો ન્યાય મેળવવા માટે ઉત્તર પ્રદેશના જાલૌનમાં અધિકારીઓને ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે.

  • Share this:
લખનઉઃ ગુનેગારોને સજા આપનાર ખુદ ન્યાયાધીશ ન્યાય મેળવવા માટે અધિકારીઓને ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે. આ જજ બીજા કોઈ નહીં પરંતુ તાજેતરમાં જેમણે લાલુ યાદવને સજા સંભળાવી તે શિવપાલ સિંહ છે. સરકારી અધિકારીઓની કામ કરવાની ઢીલી નીતિને કારણે તેમને ન્યાય નથી મળી રહ્યો.

શિવપાલ સિંહ તેમજ તેમના પરિવારજનો ન્યાય મેળવવા માટે ઉત્તર પ્રદેશના જાલૌનમાં અધિકારીઓને ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે. જોકે, તમામ પ્રયાસો છતાં તેમને ન્યાય નથી મળી રહ્યો.

રાંચી સીબીઆઈના જજ શિવપાલ સિંહ મૂળ જનપદ જાલૌનના શેખપુર ખુર્દ ગામના નિવાસી છે. પોતાની પૈતૃક જમીનની વચ્ચે ગેરકાયદે રસ્તો નીકળવાને કારણે તેઓ પરેશાન છે. આ કેસમાં તેઓ અનેક વખત જાલૌનના સંબંધિત અધિકારીઓને મળીને રજુઆત કરી ચુક્યા છે. જોકે, અધિકારીઓને તેમની પરેશાનીની બિલકુલ ચિંતા નથી, જેના કારણે શિવપાલ અને તેમનો પરિવાર પરેશાન છે.

આ કેસને લઇને જજ શિવપાલ સિંહના ભાઈ સુરેન્દ્ર પાલ સિંહે જણાવ્યું કે, આ કેસ 2006નો છે. શેખપુર ખુર્દ ખાતે તેમની અને તેમના જજ ભાઈની જમીન આવેલી છે. તેઓ તેમના ખાતેદાર છે. પરંતુ તેમની જમીન પર પૂર્વ પ્રધાને પોતાના કાર્યકાળ દરમિયાન કોઈ અધિકાર વગર રસ્તો બનાવી દીધો હતો. જોકે, સરકારી નકશા પ્રમાણે એ રસ્તો તેમના ખેતરમાં પસાર નથી થતો.

કેસને લઈને તેમના ભાઈ અને ખુદ શિવપાલ સિંહ અનેક વખત અધિકારીઓ સામે રજુઆત કરી ચુક્યા છે. સુરેન્દ્ર પાલે જણાવ્યું હતું કે બીજાઓને ન્યાય આપનાર ખુદ તેમના ભાઈને ન્યાય નથી મળી રહ્યો. જોકે, આ કેસ મીડિયામાં આવ્યા બાદ જાલૌનના ઉપ-જિલ્લાધિકારી ભૈરપાલ સિંહે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

સ્ટોરીઃ પ્રશાંત બેનરજી, યુપી/ઉત્તરાખંડ
First published: