ન્યૂઝ18 ગુજરાતી : કેન્દ્ર સરકારમાં સામેલ શિવસેનાને હેવી ઇન્ડસટ્રી મંત્રાલય આપવા પર એનડીએના સાથી પક્ષે નારાજગી વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ શિવસેનાના સિનિયર નેતાઓએ તેને લઈને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને મંત્રાલય ફાળવણીને લઈ ફરિયાદ કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા જ શિવસેનાએ ભાજપને મંત્રાલય બદલીને બીજું મંત્રાલય આપવાની માંગ કરી છે.
મોદી કેબિનેટમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાથી અરવિંદ સાવંતને સ્થાન આપવામાં આવ્યું છે. સાવંતને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપતાં મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝનું સુકાન સોંપ્યું છે. 31 મેના રોજ શપથ ગ્રહણ સમારોહ બાદ હવે અચાનક શિવસેનાએ મંત્રાલયને લઈને વાંધી વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને શિવસેના વચ્ચે ઘણું ઘર્ષણ વધી ગયું હતું.
ત્યાં સુધી કે બંને પાર્ટી એક સાથે ચૂંટણી લડશે કે નહીં તે બાબતે પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, ભાજપ અને શિવસેનાના સિનિયર નેતાઓની વચ્ચે સતત વાતચીત બાદ બંને પાર્ટીઓએ સાથે મળી લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેનાએ મંત્રાલયને લઈને નારાજગી વ્યક્ત કરી છે.
મોદી સરકારમાં મહારાષ્ટ્રથી સામેલ કર્યા 7 મંત્રી
મોદી કેબિનેટમાં શિવસેનાના એક જ્યારે મહારાષ્ટ્રથી કુલ સાત નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં નિતિન ગડકરી, પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ, રાવ સાહેબ દાનવે, રામદાસ આઠવલે અને સંજય ધોત્રેને જવાબદારી સોંપવામાં આવી છે.
શિવસેના પહેલા પણ સાધતી રહી છે નિશાન
મોદી સરકારમાં સહયોગી શિવસેનાની નારાજગી અનેકવાર જોવા મળી છે. 2014-19ની મોદી સરકારમાં પણ શિવસેનાએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર અનેકવાર નિશાન સાધ્યું. થોડા દિવસ પહેલા જ ગોવાના મુખ્યમંત્ર મનોહર પારિકરના નિધન બાદ ગોવા સરકાર રચવાને લઈને પણ શિવસેનાએ ભાજપ પર આકરા વાર કર્યા હતા. આ પહેલા પણ સીબીઆઈને લઈને ભાજપની ટીકા કરી હતી.