લંડન. સંયુક્ત આરબ અમીરાતના વડાપ્રધાન અને દુબઈ (Dubai)ના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતૂમ (Sheikh Mohammed bin Rashid al-Maktoum) અને તેમની પૂર્વ પત્ની હયા બિન્ત અલ-હુસૈન (Haya bint al-Hussein) વચ્ચેની કાનૂની લડાઈએ રાજવીઓની વૈભવી જીવનશૈલી દુનિયા સમક્ષ લાવી છે. જણાવી દઈએ કે બ્રિટિશ કોર્ટે (British Court) મંગળવારે દુબઈના શાસકને તેની પૂર્વ પત્ની અને તેમના બાળકોને 554 મિલિયન પાઉન્ડ (રૂ. 5,540 કરોડ) ચૂકવવાનો આદેશ આપ્યો છે. બ્રિટિશ ઈતિહાસમાં આ સૌથી મોંઘા છૂટાછેડા પૈકી એક છે.
પતાવટની રકમ (settlement amount) પ્રિન્સેસ હયાની બ્રિટિશ હવેલીની જાળવણી અને તેમના તેમજ બાળકોના ભવિષ્યની સુરક્ષાના ખર્ચ માટે લેવામાં આવશે. બ્રિટનના આ સૌથી મોંઘા છૂટાછેડાની ઘટનાથી આ શાહી કપલની વૈભવી જીવનશૈલી વિશે લોકોને જાણકારી મળી છે.
એક ડઝનથી વધુ આલિશાન હવેલીઓ
શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ, જેઓ વર્તમાનમાં સંયુક્ત આરબ અમીરાતના વડાપ્રધાન છે અને દુબઈના શાસક છે, તેમણે 2004માં રાજકુમારી હયા બિન્ત અલ હુસૈન સાથે લગ્ન કર્યા હતા. હયા દુબઈના શાસકની છઠ્ઠી પત્ની હતી. રાજાએ પ્રિન્સેસ હયાને 2019માં શરિયા કાનૂન હેઠળ તેને જાણ કર્યા વિના છૂટાછેડા આપી દીધા. હયા દુબઈ છોડીને છેલ્લા ઘણા વર્ષોથી બ્રિટનમાં રહે છે.
રાજકુમારીના વકીલોએ કોર્ટને કહ્યું કે દુબઈમાં તેમના અને બાળકો પાસે ‘અમર્યાદિત’ પૈસા હતા. રાજકુમારી હયા પાસે એક ડઝનથી વધુ વૈભવી હવેલીઓ, 400 મિલિયન પાઉન્ડની યાટ અને ખાનગી જેટનો કાફલો હતો. તેના જવાબમાં દુબઈના શાસકના વકીલોએ કહ્યું કે તેમને તેમના ઘર માટે વાર્ષિક 83 મિલિયન પાઉન્ડ મળતા હતા, જ્યારે 9 મિલિયન પાઉન્ડ જેટલા ખર્ચ થતા હતા.
દુબઈના અમીરાતના 72 વર્ષીય શાસક લાંબા સમયથી પોતાની 47 વર્ષીય પૂર્વ પત્ની સાથે કાનૂની લડાઈ લડી રહ્યા છે. હયા પોતાના બંને બાળકો જલીલા (14) અને ઝાયદ (9) સાથે લંડનમાં રહે છે. એક સુનાવણી દરમિયાન પ્રિન્સેસ હયાને 6.7 મિલિયન પાઉન્ડની ચુકવણી અંગે પૂછપરછ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે રાજકુમારી હયાનું તેના બોડીગાર્ડ સાથે અફેર હતું. આ અફેરને છુપાવવા માટે તેણે 6.7 મિલિયન પાઉન્ડ ખર્ચ્યા હતા. આટલું જ નહીં આ પૈસા તેણે તેના બાળકોના બેંક ખાતામાંથી ઉપડ્યા હતા.
લંડનમાં હવેલી
છૂટાછેડાની કુલ ભરણપોષણની રકમમાંથી, 251.5 મિલિયન પાઉન્ડ લંડનમાં રાજકુમારી હયાના ઘરની જાળવણી માટે જશે. કોર્ટને કહેવામાં આવ્યું કે 2016માં રાજકુમારી હયાએ કેન્સિંગ્ટન પેલેસ પાસે 87.5 મિલિયન પાઉન્ડની એક હવેલી ખરીદી અને પછી તેને સુંદર બનાવવા માટે 14.7 મિલિયન પાઉન્ડ ખર્ચ્યા હતા. દુબઈના શાસક દ્વારા જે રકમ આપવામાં આવશે તેનાથી હવેલીની 10 વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે અને પાંચ હાઉસકીપરોને પગાર આપવામાં આવશે.
રાજકુમારી હયાએ કહ્યું કે તેણે હંમેશા આ હવેલીને પ્રાથમિકતા આપી છે અને આગળ પણ તેને વધુ સારી રીતે રાખવાની જરૂર છે. તેણે બર્કશાયરમાં પોતાની કેસલવુડ હવેલીની જાળવણી માટે વાર્ષિક 770,000 પાઉન્ડની પણ માંગણી કરી છે.
400 રેસહોર્સ
પ્રિન્સેસ હયાએ કહ્યું કે તેના અને તેના બાળકો પાસે 60થી પણ વધુ રેસના ઘોડાઓ (racehorses) છે, જેના માટે તેણે વળતરમાં 75 મિલિયન પાઉન્ડની માંગ કરી હતી. શેખ સાથેના લગ્ન દરમિયાન તેની પાસે લગભગ 400 જેટલા racehorses હતા. રાજકુમારીએ કોર્ટમાં કહ્યું કે જો મારે એક ઘોડો જોઈએ, તો મેં એક ખરીદ્યો.
વૈભવી વેકેશનના ખર્ચા
તેના લગ્ન દરમિયાન પરિવારે ઇટલીમાં ઉનાળા વેકેશનમાં 631,000 પાઉન્ડ ખર્ચ્યા હતા અને અન્ય એક પ્રસંગે ગ્રીસમાં હોટલનું બિલ 274,000 યુરો ચૂકવ્યું હતું. રાજકુમારી હયાને બ્રિટનમાં બે અઠવાડિયાની રજા અને દર વર્ષે નવ અઠવાડિયાની વિદેશ યાત્રા કરવા માટે પૈસા મળતા હતા. જજ ફિલિપ મૂરે કહ્યું કે દુબઈના શાસકને રજાઓ માટે દર વર્ષે 5.1 મિલિયન પાઉન્ડ ચૂકવવા પડશે.
કોર્ટે કહ્યું કે, રાજકુમારી હયાને રજા પર ખર્ચ કરવા માટે વધુ 1 મિલિયન પાઉન્ડ વળતર તરીકે આપવામાં આવશે. તો પાલતુ પ્રાણીઓ પર ખર્ચવા માટે દર વર્ષે 277,050 પાઉન્ડ પણ આપવામાં આવશે, જેમાં ઘોડા ખરીદવા માટે 25,000 પાઉન્ડ અને રમકડાં માટે 12,000 પાઉન્ડ આપવાનું કહેવામાં આવ્યું છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર