Home /News /national-international /

શત્રુઘ્ન સિંહાની મોદીને સલાહ- 'પીએમ પદની મર્યાદા જળવાઈ રહેવી જોઈએ'

શત્રુઘ્ન સિંહાની મોદીને સલાહ- 'પીએમ પદની મર્યાદા જળવાઈ રહેવી જોઈએ'

(ફાલઇ તસવીર)

  ભાજપાના સાંસદ શત્રુઘ્ન સિંહાએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીના આક્રમક વલણ અંગે નારાજગી વ્યક્ત કરી છે. પીએમને સલાહ આપતા તેમણે એક ટ્વિટ કરી છે. તેમણે ટ્વિટમાં મોદીને ટેગ કર્યા છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે વડાપ્રધાન બની જવાથી 'કોઈ બુદ્ધિજીવી નથી બની જતું.' તેમણે લખ્યું છે કે, 'શ્રીમાન. આજે ચૂંટણીના પડઘમ શાંત થઈ જશે. પૈસાની તાકાત છતાં લોકશક્તિ પ્રબળ બનશે.'

  શત્રુઘ્નએ મોદી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટેગ કરતા લખ્યું છે કે, 'જોકે, મને સ્ટાર પ્રચારક તરીકે બોલાવવામાં આવ્યો ન હતો. જેવી રીતે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં કરવામાં આવ્યું હતું. કારણ આપણને બધાને ખબર છે. હું વિનમ્રતાથી એક જૂના મિત્ર, શુભચિંતક અને પાર્ટીના સમર્થકની હેસિયતથી સલાહ આપું છું કે આપણે મર્યાદા ઓળંગવી ન જોઈએ. આપણે એટલું બધું વ્યક્તિગત ન બનવું જોઈએ. મર્યાદામાં રહીને મુદ્દાની વાત કરવી જોઈએ. માનનીય વડાપ્રધાનની મર્યાદા જળવાઈ રહેવી જોઈએ.'

  અંતિમ ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, 'કર્ણાટકના લોકોને નક્કી કરવા દો. જે સૌથી સારો વ્યક્તિ છે તેને જીત મળવા દો. વિજય કર્ણાટક! જય હિન્દ!'

  કર્ણાટકમાં 12મેના રોજ વોટિંગ

  કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે સાંજે ચૂંટણી પ્રચારના પડઘામ શાંત થઈ ગયા હતા. કર્ણાટકની ચૂંટણીમાં પીએમ મોદી તેમજ રાહુલ ગાંધીએ અંતિમ સમય સુધી વોટર્સને પોતાના પક્ષમાં ખેંચવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા હતા. ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન ભ્રષ્ટાચારથી લઈને અંગત આક્ષેપો કરવામાં આવ્યા હતા. સિદ્ધારમૈયાની રૂ. 70 લાખની કાંડા ઘડિયાળથી લઈને સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો પણ ઉઠ્યો હતો. કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ અન્ય રાજ્યની જેમ કર્ણાટકમાં પણ મોદીએ જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Shatrughan Sinha, નરેન્દ્ર મોદી

  આગામી સમાચાર