2019ની લોકસભાની ચૂંટણી પહેલા બીજેપી છોડી શકે છે શત્રુઘ્ન સિંહા

2019ની લોકસભાની ચૂંટણી પહેલા બીજેપી છોડી શકે છે શત્રુઘ્ન સિંહા

 • Share this:
  ભાજપના નારાજ નેતા તેમજ સાંસદ શત્રુઘ્ન સિંહાએ બુધવારે સંકેત આપ્યા છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી કોઈ અન્ય પાર્ટીની ટિકિટ પર લડી શકે છે. તેમણે કહ્યું કે જે દિવસથી મોદી સરકાર બની છે તે દિવસથી તેમના જેવા નેતાઓ સાથે સારો વ્યવહાર નથી કરવામાં આવી રહ્યો. જોકે, તેમણે એવું પણ કહ્યું હતું કે તેઓ પટના સાહિબ બેઠક પરથી જ ચૂંટણી લડશે. તેઓ હાલમાં આ બેઠક પરથી ચૂંટાઈને સંસદ ગયા છે. તેમણે કહ્યું હતું કે મારી પાસે બીજા પક્ષની ઓફર છે. મારા માટે એ વાતનો કોઈ મતલબ નથી કે હું મારી પાર્ટી કે પછી કોઈ બીજા પક્ષમાંથી લોકોની સેવા કરું.

  તેમણે કહ્યું હતું કે, ગત 2014ની લોકસભાની ચૂંટણી વખતે પણ એવી અફવા હતી કે બીજેપી મને ટિકિટ નહીં આપે. પરંતુ મને ટિકિટ મળી હતી. છેલ્લી ઘડીએ મારી નામની જાહેરાત કરવામાં આવી હતી. છેલ્લી ચૂંટણીમાં સારી એવી લીડ સાથે મેં ચૂંટણી જીતી હતી, આથી હવે કોઈ કારણ નથી કે મને ટિકિટ આપવામાં નહીં આવે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની સાથે પક્ષમાં ખરાબ વ્યવહાર થયો છે ત્યારે તેમણે આ વાતનો ઉત્તર 'હા'માં આપ્યો હતો. જોકે, તેમણે એવું પણ કહ્યું હતું કે એ મારા લોકો છે એટલે હું બહારના લોકો સમક્ષ તેમની વિરુદ્ધ ન બોલી શકું. મારી પાર્ટી બહુ સારી રીતે જાણે છે કે તેનાથી મને દુઃખ થાય છે, આ આજકાલથી નથી ચાલી રહ્યું, જ્યારથી સરકાર બની છે ત્યારથી આ ચાલી રહ્યું છે.  જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તો તેઓ પાર્ટીને છોડી કેમ નથી દેતા? જવાબમાં શત્રુઘ્નએ કહ્યું હતું કે પાર્ટી મને શા માટે કાઢી નથી મૂકતી. મેં છોડવા માટે પાર્ટી નથી જોઈન કરી. પાર્ટીમાં અનેક લોકો સાથે સારુ વર્તન નથી થઈ રહ્યું. અમારા ગુરુ લાલકૃષ્ણ અડવાણીને જ જોઈ લો. એમના જ નેતૃત્વમાં પાર્ટી 2 બેઠકમાંથી 200 સીટ સુધી પહોંચી હતી. આજે તેઓ ક્યાં છે? તેઓ પાર્ટીને કોઈ અન્ય પદ પર હોવા જોઈતા હતા. પરંતુ આજે તેઓ પાર્ટીમાં અભિભાવકની જેમ છે.

  નોંધનીય છે કે બુધવારે ભાજપથી નારાજ યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને મળ્યા હતા. બંનેએ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ તમામ પાર્ટીઓને એક કરવાના મમતાના પ્રયાસની પ્રશંસા કરી હતી. જોકે, બંને નેતાઓએ એવું સ્પષ્ટ કહ્યું ન હતું કે તેઓ મોદી વિરુદ્ધ ઉભી થઈ રહેલા તાકાતની સાથે ઉભા રહેશે કે નહીં.
  First published:March 29, 2018, 09:07 am

  टॉप स्टोरीज