મુંબઈ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)ની મની લૉન્ડ્રિંગ કેસ (Money Laundering Case)માં ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ED)ના અધિકારી આજે પૂછપરછ કરવાના હતા. જોકે, ઈડી તરફથી તેમને હાજર રહેવાની નોટિસ નહોતી આપવામાં આવી તેમ છતાંય શરદ પવાર ઈડી ઑફિસ જવા માટે અડગ હતા. પવારનું કહેવું છે કે તેઓ બેંક ગોટાળામાં એફઆઈઆરની વિરુદ્ધ ઈડી ઓફિસ જશે અને પોતાનો પક્ષ રજૂ કરશે. આ દરમિયાન મુંબઈમાં બલાડ ઍસ્ટેટ સ્થિત ઈડી ઑફિસની આસપાસ કલમ 144 લગાવી દેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા એનસીપી કાર્યકર્તાઓ સહિત અનેક નેતાઓની અટકાયત કરી છે.
જોકે, મુંબઈ પોલીસ કમિશ્નર દ્વારા સમજાયા બાદ શરદ પવાર માની ગયા છે. પોલીસ કમિશ્નર સંજય બર્વેએ શરદ પવારને તેમના ઘરે જઈને મુલાકાત કરી અને તેમને ઈડી ઑફિસ ન જવા અપીલ કરી. કમિશ્નરનું કહેવું છે કે તેના કારણે કાયદો-વ્યવસ્થા બગડશે. ત્યારબાદ શરદ પવારે કહ્યુ કે તેઓ ઈડી ઑફિસ નથી જઈ રહ્યા.
NCP Chief Sharad Pawar: Mumbai Commissioner of Police and Joint CP meet me today and requested me not to go so that the law and order situation remains under control. https://t.co/431crZ0sen
શરદ પવારે કહ્યુ કે, કાયદો-વ્યવસ્થા વિશે મને ખબર છે. ખોટા પગલાથી સમગ્ર રાજ્યમાં કાયદો-વ્યવસ્થા બગડી શકે છે. હું એ તમામનો આભારી છું જેઓએ મને આ મુશ્કેલ સમયમાં સાથ આપ્યો છે. ગોટાળા સાથે મારે કોઈ લેવા-દેવા નથી, આ સમગ્ર મામલો રાજનીતિથી પ્રેરિત છે.
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે, મહારાષ્ટ્ર સહકારી બેંક ગોટાળા (Maharashtra Co-Operative Bank Scam) મામલામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવાર, તેમના ભત્રીજા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવાર (Ajit Pawar) તથા અન્યનછ વિરુદ્ધ મની લૉન્ડ્રિંગનો મામલો નોંધાયો છે. આ ગોટાળો લગભગ 25 હજાર કરોડનો હોવાનું કહેવાય છે. બીજી તરફ, કોંગ્રેસ (Congress)ની સાથે ભાજપ (BJP)ની સહયોગી પાર્ટી શિવસેના (Shiv Sena)એ પણ શરદ પવારનું સમર્થન કર્યુ છે.