નવી દિલ્હીઃ શાંતિકુંજ આશ્રમ (Shantikunj Ashram)ના પ્રમુખ અને પંડિત શ્રીરામ શર્માના જમાઈ ડૉ. પ્રણવ પંડ્યા (Dr. Pranav Pandya) પર છત્તીસગઢની એક યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ આ મામલામાં ડૉ. પ્રણવ પંડ્યાની પતી શૈલજાનો પણ ઉલ્લેખ કરતાં દિલ્હીના વિવેક વિહાર પોલીસ સ્ટેશન (Vivek Vihar police station)માં ઝીરો FIR નોંધાવી છે. આવો આપને જણાવીએ દુષ્કર્મના આરોપનો સામનો કરી રહેલા ડૉ. પ્રણવ પંડ્યાની જીવન યાત્રા.
ડૉ. પ્રણવ પંડ્યાનો સૌથી મોટો પરિચય રહ્યો છે કે તેઓ યુગ નિર્માણ યોજના મિશન દ્વારા ગાયત્રી પરિવારના સંસ્થાપક પંડિત શ્રીરામ શર્માના જમાઈ છે. પૂર્વ ન્યાયાધીશ દિવંગત સત્યનારાયણ પંડ્યાના દીકરા અને શાંતિકુંજ આશ્રમના પ્રમુખ ડૉ. પ્રણવ પંડ્યા 1963થી યુગ નિર્માણ યોજના મિશન સાથે સંપર્કમાં આવ્યા હતા. ઈન્દોરની એમજીએમ મેડિકલ કોલેજથી MBBS કર્યા બાદ ડૉ. પ્રણવ પંડ્યા શરૂઆતના થોડાક વર્ષ સુધી મિશનના કાર્યો સાથે અપ્રત્યક્ષ રીતે જોડાયેલા રહ્યા. ત્યારબાદ 1969થી 1977ની વચ્ચે તેઓ ગાયત્રી તપોભૂમિ અને શાંતિકુંજ હરિદ્વારમાં આયોજિત થતા શિબિરોમાં ભાગ લેવા લાગ્યા.
શોધ સંસ્થાનના નિદેશકની મળી પહેલી જવાબદારી
આ દરમિયાન, જૂન 1976માં તેમની નિમણૂક હરિદ્વાર સ્થિત ભારત હેવી ઇલેક્ટ્રીકલ્સ લિમિટેડમાં થઈ. તેઓ જૂન 1976થી સપ્ટેમ્બર 1978 સુધી હરિદ્વાર સ્થિત ભારત હેવી ઇલેક્ટ્રીકલ્સ લિમિટેડ અને ભોપાલની હૉસ્પિટલોના ઇન્ટેસિવ કેર યૂનિટ સાથે જોડાયેલા રહ્યા. આ દરમિયાન મિશનના કાર્યોથી એ હદે પ્રભાવિત થયા કે તેઓએ સપ્ટેમબર 1978ના રોજ પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને હંમેશા માટે હરિદ્વાર ચાલ્યા આવ્યા. આ દરમિયાન, યુગ નિર્માણ યોજના મિશનના સંસ્થાપક પંડિત શ્રીરામ શર્માએ હરિદ્વારમાં બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાનની સ્થાપના કરી હતી. હરિદ્વાર આવ્યા બાદ ડૉ. પ્રણવ પંડ્યાને આ સંસ્થાનના નિદેશકની જવાબદારી સોંપવામાં આવી.
સમયની સાથે શાંતિકુંજમાં ડૉ. પ્રણવ પંડ્યાનું પ્રભુત્વ વધતું ગયું
સમયની સાથે ડૉ. પ્રણવ પંડ્યાનું પ્રભુત્વ શાંતિકુંજમાં વધતું ગયું. પંડિત શ્રીરામ શર્મા પણ ડૉ. પ્રણવ પંડ્યાથી એ હદે પ્રભાવિત થયા હતા કે તેઓએ પોતાની એકમાત્ર દીકરી શૈલબાલાના વિવાહ તેમની સાથે કરાવી દીધા. શૈલબાલા સાથે લગ્ન કરય બાદથી જ ડૉ. પ્રણવ પંડ્યાને શાંતિકુંજના આગામી પ્રમુખ તરીકે જોવામાં આવી રહ્યા હતા. પંડિત શ્રીરામ શર્માના નિધન બાદ શાંતિકુંજ ઉપરાંત સમગ્ર ગાયત્રી પરિવારનું સુકાન ડૉ. પ્રણવ પંડ્યાના હાથમાં આવી ગયું. ત્યારબાદથી આજ સુધી ડૉ. પ્રણવ પંડ્યા ગાયત્રી પરિવાર એન શાંતિકુંજ હરિદ્વારના પ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યા છે.
શાંતિકુંજ ઉપરાંત ડૉ. પ્રણવ પંડ્યા પાસે છે આ જવાબદારી
હાલ શાંતિકુંજથી વિશેષ તેમની પાસે સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ, બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાનના નિદેશક તથા અખંડ જ્યોતિ પત્રિકાના સંપાદકની જવાબદારી પણ છે. ડૉ. પ્રણવ પંડ્યાને 1998માં જ્ઞાન ભારતી સન્માન, 1999માં હિન્દુ ઓફ ધ યરનો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમને અમેરિકાની વિશ્વવિખ્યાત અંતરિક્ષ સંસ્થા નાસા દ્વારા વૈજ્ઞાનિક અધ્યાત્મવાદના પ્રચાર-પ્રસાર માટે વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.