સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવાના એક કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, સગીરા પોતાનું ઘર છોડીને કોઈની સાથે લગ્ન કરે અને પોતાની મરજીથી શારીરિક સંબંધ બાંધે તો પણ તેની ઈચ્છાનું કોઈ મહત્વ નથી.
આ કેસમાં જસ્ટિસ રાધા રાની ઠાકુરે અલીગઢના શખ્સ પ્રવીણ કશ્યપની જામીન અરજી ફગાવી દીધી હતી. પ્રવીણે સગીરા સાથે લગ્ન કર્યા હતા અને બંને પતિ-પત્ની તરીકે રહેતા હતા.
અરજદારના વકીલે દલીલ કરી હતી કે, સીઆરપીસીની કલમ 161 અને 164 હેઠળ પીડિતાએ આપેલા નિવેદન મુજબ, સગીરાએ પોતાની મરજીથી ઘર છોડી દીધું હતું અને લગ્ન કર્યા હતા. તેણે અરજી કરનાર 4 જૂન, 2022થી જેલમાં હોવાથી જામીન મંજૂર કરવાની વિનંતી કરી હતી.
જૂન મહિનાથી જેલમાં છે સગીરાનો પતિ
એડિશનલ સરકારી વકીલે હાઈકોર્ટમાં જામીન અરજી સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, અલીગઢના નહરૌલા ખૈર ખાતેની ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યએ આપેલા પ્રમાણપત્ર મુજબ પીડિતાની જન્મ તારીખ 10 મે, 2006 છે અને ઘટનાના દિવસે 2 જૂન, 2022ના રોજ તે સગીર હતી, તેથી તેની ઇચ્છાનો કોઈ મતલબ નથી.
અલ્હાબાદ હાઈકોર્ટે બુધવારે સુનાવણી બાદ પોતાના આદેશમાં કહ્યું કે, સંબંધિત પક્ષકારોના વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને અને કેસના તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને આ કેસમાં જામીન આપવાનું યોગ્ય લાગતું નથી. હાઈકોર્ટે કહ્યું છે કે, સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવાના મામલે તેની સંમતિનું કોઈ મહત્વ નથી. કોર્ટે કહ્યું કે લગ્ન બાદ સગીરાની સંમતિથી બાંધવામાં આવેલા શારીરિક સંબંધ પણ ગેરકાયદે છે.
શું છે સમગ્ર મામલો?
અલીગઢના પ્રવીણ કશ્યપ વતી અલ્હાબાદ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદાર/આરોપી પર અલીગઢના લોઢા પોલીસ સ્ટેશનમાં અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટનો કેસ નોંધવામાં આવ્યો હતો. અરજદાર તરફથી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે સગીરાએ પોલીસ અને કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં તેણે કહ્યું છે કે, તે પોતાની મરજીથી ઘર છોડીને જતી રહી હતી. અરજદાર સાથે લગ્ન કર્યા છે. બંનેએ યુવતીની સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા છે. બંને પતિ-પત્નીની જેમ સાથે રહે છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર