અનેક સિરિયલ બ્લાસ્ટનો દોષી આતંકી જલીસ અંસારી પેરોલ ખતમ થવાના એક દિવસ પહેલા ગાયબ

આતંકી જલીસ અંસારી. (ફાઇલ તસવીર)

રાજસ્થાન સિરિયલ બ્લાસ્ટનો દોષી આતંકી જલીસ અંસારી પર 50થી વધારે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવાનો આરોપ છે. જલીસ પર એવો પણ આરોપ છે કે તે સીમી અને ઇન્ડિયન મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલો હતો. જલીસ તેમને બોમ્બ બનાવવાનું શીખવાડતો હતો.

  • Share this:
    મુંબઈ : દેશભરમાં અનેક શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસોમાં દોષી આતંકી જલીસ અંસારી ગુરુવારે સવારે ગુમ થઈ ગયો છે. જલીસ 50 શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે. જલીસ અંસારી 'ડોક્ટર બૉમ્બ' તરીકે જાણીતો છે. 1993માં રાજસ્થાન શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં તેને ઉમરકેદની સજા થઈ હતી. તે ગત વર્ષે ડિસેમ્બરમાં 21 દિવસ માટે પેરોલ પર અજમેર જેલમાંથી બહાર આવ્યો હતો. ગુરુવારે પેરોલ ખતમ થતા પહેલા તે ગાયબ થઈ ગયો છે.

    અગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં જલીસ ગાયબ થઈ ગયાની માહિતી મળ્યા બાદ મહારાષ્ટ્ર એટીએસ અને ક્રાઇમ બ્રાંચને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. આતંકી જલીસની ધરપકડ કરવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

    એક અધિકારીએ જણાવ્યું કે, પેરોલની અવધી સુધી અંસારીને દરરોજ સવારે સાડા દસથી 12 વાગ્યા વચ્ચે અગ્રીપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ ગુરુવારે તે નિર્ધારિત સમયે પોલીસ સ્ટેશનો પહોંચ્યો ન હતો. ગાયબ થયા બાદ અત્યાર સુધી સુરક્ષા એજન્સીઓને તેની કોઈ ભાળ મળી નથી.

    આતંકી જલીસ અંસારીને અજમેર બોમ્બ બ્લાસ્ટ કેસમાં ઉમરકેદની સજા સંભળાવવામાં આવી હતી. આતંકી જલીસ અંસારી આતંકી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન અને સીમી સાથે જોડાયેલો હતો. તે પાકિસ્તાનમાં બોમ્બ બનાવવાની તાલિમ મેળવી ચુક્યો છે. અંસારી જયપુર, અજમેર અને માલેગાંવ બ્લાસ્ટમાં દોષી છે.

    તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બપોરે અંસારીનો પુત્ર જૈદ અંસારી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પિતા ગુમ થયાની ફરિયાદ આપી હતી. જૈદના કહેવા પ્રમાણે તેમના પિતા સવારે નમાજ પઢ્યા બાદ ઘરેથી નીકળ્યા હતા, પરંતુ પરત ફર્યાં નથી. જૈદની ફરિયાદ પર પોલીસે જલીસ ગુમ થવાની ફરિયાદ લીધી છે. જે બાદમાં મુંબઈની એટીએસ અને ક્રાઇમ બ્રાંચ તરફથી જલીસને પકડવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે. જલીસને પકડવા માટે ઠેર ઠેર દરોડાં પાડવામાં આવી રહ્યા છે. જોકે, અત્યાર સુધી અંસારીના કોઈ સગડ મળ્યાં નથી.
    Published by:Vinod Zankhaliya
    First published: