ઇન્ફોસિસનાં સ્થાપક એન.આર. નારાણય મુર્તિએ ભારતમાં શિક્ષણની અવદશા વિશે વાત કરતા કહ્યું કે, ભારતમાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓનું નિર્માણ કરવા માટે યુનિવર્સિટીઓને રાજકીય વિચારધારાથી દૂર રાખો. તેને રાજકીય અખાડા બનતા રોકો, તો જ આ ધ્યેય પ્રાપ્ત થઇ શકશે.
તેમણે કહ્યું કે, ભારતમાં શિક્ષણનું સ્તર સુધરે એ માટે ભારતે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ અને આ યુનિવર્સિટીઓમાં ભણાવતા ભારતીય લોકો સાથે સંપર્ક રાખવો જોઇએ. તેમની સાથે ચર્ચા વધારવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યુ કે, ભારતમાં ઓછામાં ઓછી 10 એવી યુનિવર્સટીઓ હોવી જોઇએ કે, જે વિશ્વની 10 શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં સ્થાન પામે. આ માટે સૌ પહેલા શિક્ષણને રાજકારણથી દૂર રાખો”
તેમણે શિક્ષણની અવદશા વિધે જણાવતા કહ્યું કે, “ભારત દેશનાં રાજકારણીઓ જ્યાં સુંધી નહીં સમજે કે, દેશ ગુણવત્તાયુક્ત શિક્ષણ પર નભે છે અને શિક્ષણને શિક્ષણશાસ્ત્રીઓ પર નહીં છોડો ત્યાં સુંધી કથળતું શિક્ષણ સુધરવાનું નથી. બીજુ કે, આપણે રાજકિય વિચારધારાને શિક્ષણમાં લાવવી ન જોઇએ”
ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા વિશે વાત કરતા નારાયણ મુર્તિએ કહ્યુ કે, એ સમયે ભારતની યુનિવર્સિટીઓનું શિક્ષણ વિશ્વ પ્રસિદ્ધ હતુ પણ હાલ સ્થિતિ જુદી છે.
નારાયણ મૂર્તિએ અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ સમયે તેમણે વક્તવ્ય આપતા આ વાત કરી હતી.
તેમણે એમ પણ કહ્યું કે, “જો આપણે વિશ્વનો એક ભાગ બનવા માંગતા હોઇએ અને બીજા લોકો પ્રત્યેથી સન્માનની અપેક્ષા રાખતા હોઇએ, તો આપણે એ કેટલાક મુદ્દાઓ પર સર્વસંમતિ સાધવી જોઇએ અને વિશ્વએ જે સ્વીકાર્યુ છે તેને સ્વીકારવું જોઇએ. આ નિયમને અનુસરીએ તો, વિશ્વમાં ભારત ક્યાંય નથી” નારાયણ મુર્તિએ વધુમાં જણાવ્યું કે, એવા દેશો સાથે આપણે ચર્ચા કરવી જોઇએ કે, જ્યાં આપણા કરતાં વધારે સારુ શિક્ષણ છે અને ત્યાં સારુ શિક્ષણ શા માટે છે એ વાત સમજવી જોઇએ અને એ પ્રકારનું શિક્ષણ આપણે ત્યાં ઉપલબ્ધ થાય એ માટે પ્રયાસો કરવા જોઇએ”