કોચી : ખતરનાક કોરોનાવાયરસ (Coronavirus)નો વધુ એક કેસ ભારતમાં સામે આવ્યો છે. આ દર્દી કેરળનો છે. આ પહેલાનો કેસ પણ કેરળમાં જ સામે આવ્યો હતો. ડૉક્ટર અને સરકારી અધિકારીઓએ આ અંગેની પુષ્ટિ કરી
છે. આ દર્દી કેરળના કયા વિસ્તારમાં રહે છે તેની કોઈ જ માહિતી આપવામાં આવી નથી. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ પણ થોડા દિવસ પહેલા ચીન ગયો હતો. રિપોર્ટ્સ પ્રમાણે કેરળમાં 1793 લોકોને હાલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
ચીનમાં હાહાકાર
ચીનમાં ફેલાયેલા ઘાતક કોરોનાવાયરસની સંક્રમણથી અત્યાર સુધી મૃતકોની સંખ્યા 304 થઈ ગઈ છે. જ્યારે 14,380 લોકો ચેપગ્રસ્ત હોવાની પુષ્ટિ થઈ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે (એનએચસી) પોતાના દૈનિક રિપોર્ટમાં જણાવ્યું છે કે શનિવાર સુધી આ ઘાતક બીમારીથી 304 લોકોનાં મોત થયા છે અને 14,380 લોકો આ વાયરસને કારણે ચેપગ્રસ્ત થયાની પુષ્ટિ થઈ છે. ચીનના એનએસસી અનુસાર તમામ લોકોનાં મોત હુબેઇ પ્રાંતમાં થયા છે. આયોગના કહેવા પ્રમાણે શનિવારે કોરોનાવાયરસના 4562 શકમંદ કેસ સામે આવ્યા હતા. તેમણે જણાવ્યું કે શનિવારે 315 દર્દીઓ ગંભીર રીતે બીમાર થયા છે, જ્યારે 85 લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો હવાથી તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ભારતે રજૂ કરી માનવતાની મિશાલ
ચીનના વુહાન પ્રાંતમાં કોરોનાવાયરસને કારણે ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટ રવિવારે દિલ્હી પહોંચશે. આ ખાસ ફ્લાઇટમાં 323 ભારતીય નાગરિક સવાર છે. સાથે જ માલદીવના 7 લોકોને પણ વિમાનથી પરત લાવવામાં આવ્યા છે. ચીનમાં ભારતીય રાજદૂત વિક્રમ મિસરીને કહ્યુ કે વુહાનથી દિલ્હી માટે રવાના થયેલી બીજી ફ્લાઇટમાં 330 લોકો છે.
માલદીવે વુહાનમાંથી પોતાના નાગરિકોને પરત લાવવા માટે માલદીવે ભારતનો આભાર માન્યો છે. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે કહ્યુ કે, "વુહાનથી સાત માલદીવના નાગરિકો એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટમાં દિલ્હી પહોંચ્યા છે. તેમને સારવાર માટે અમુક સમય સુધી દિલ્હીમાં જ રાખવામાં આવશે. આ માટે હું પીએમ નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી ડૉક્ટર જયશંકરનો આભાર માનું છું."