સુપ્રીમ કોર્ટે બુધવારે સીબીઆઈના ડાયરેક્ટર, દિલ્હી પોલીસના કમિશ્નર અને ઇન્ટેલિજન્સ બ્યૂરો ચીફને સમન્સ પાઠવ્યા છે. કોર્ટે આ સમન્સ ન્યાયિક ભ્રષ્ટાચારના મુદ્દાઓની તપાસ કરવા અને યૌન ઉત્પીડન મામલામાં ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને દોષી ઠેરવવાના કથિત પ્રયાસોને લઈને મોકલ્યા છે.
જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાનીવાળી ત્રણ જજોની બેન્ચે ત્રણેય સંસ્થાઓના પ્રમુખોને બપોરે 12.30 વાગ્યે બોલાવ્યા, જેમાં કહેવામાં આવ્યું કે તેમની સાથે ચર્ચા-વિચારણ જજોની ચેમ્બરની અંદર થઈ. આ મામલામાં આગળની વાતચીત માટે આ બેન્ચ બપોરે ત્રણ વાગ્યે ફરી બેસશે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની વિરુદ્ધ યૌન ઉત્પીડનના આરોપોની તપાસ માટે કોર્ટે ત્રણ જજોની એક આંતરિક તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિમાં કોર્ટના ત્રણ સિટિંગ જજ- જસ્ટિસ એસ એ બોબડે, એન વી રમન અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જી સામેલ છે. ગોગોઈ બાદ બોબડે જ સૌથી સિનિયર જજ છે.
આ તપાસ શુક્રવારથી શરૂ થશે અને તે ન્યાયિક નહીં પરંતુ એક વિભાગીય તપાસ જ છે. આ મામલામાં કોર્ટે વકીલ ઉત્સવ બેંસને નોટિસ જાહેર કરી છે. ઉત્સવે આરોપ લગાવ્યો હતો કે તેમને સીજેઆઈની વિરુદ્ધ ખોટા આરોપ લગાવવા માટે લાંચની રજૂઆત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, કોર્ટે ઉત્સવ બેંસ નામની વકીલને બુધવારે ખાનગી રીતે રજૂ થવાનો નિર્દેશ આપ્યો હતો. મૂળે, બેંસે દાવો કર્યો હતો કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને મોટા કાવતરા હેઠળ યૌન શોષણ કેસમાં ફસાવવામાં આવ્યા છે. બેંસનો આરોપ છે કે આ મામલામાં જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલનો હાથ હોઈ શકે છે. જસ્ટિસ અરુણ મિશ્રાની નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે બેંસને નોટિસ જાહેર કરી કહ્યું કે તેઓ કોર્ટમાં હાજર થઈને પોતાના દાવાઓના પક્ષમાં પુરાવા રજૂ કરે.
એડવોકેટ ઉત્સવ બેંસ દ્વારા કોર્ટને આપવામાં આવેલી એફિડવિટમાં કહેવામાં આવ્યું છે કે સૂત્રો મુજબ ચીફ જસ્ટિસ પર યૌન શોષણનો આરોપ લગાવવામાં દિલ્હીના એક ફિક્સર રોમેશ શર્માનો હાથ હતો જેથી ચીફ જસ્ટિસને રાજીનામું આપવા માટે મજબૂર કરી શકાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર