નવી દિલ્હી : ઇલેક્ટોરલ બોન્ડ (ચૂંટણી બોન્ડ)ને લઈને સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે તમામ રાજકીય પાર્ટીઓને ઇલેક્ટોરલ બોન્ડની વિગતો આપવાનો આદેશ કર્યો છે. કોર્ટે આ માટે તમામ પાર્ટીઓને 30મી મે સુધીનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તમામ રાજકીય પાર્ટીઓ 30મી મે સુધી ચૂંટણી પંચને બંધ કવરમાં તેમને મળેલા ફંડની વિગતો આપે. જોકે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કર્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે ચૂંટણી સુધી સુપ્રીમ કોર્ટને આ મામલે હસ્તક્ષેપ નહીં કરવાની વિનંતી કરી હતી.
આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પારદર્શક રાજનીતિક ફંડ માટે શરૂ કરવામાં આવેલી ચૂંટણી બોન્ડ સ્કિમમાં બોન્ડ ખરીદનારની ઓળખ જાહેર નથી થતી તો ચૂંટણીમાં કાળાનાણાના ઉપયોગ પર અંકૂશનો સરકારનો પ્રયાસ નિરર્થક રહેશે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ઇલેક્ટોરલ બોન્ડની તરફેણ કરી છે. એટર્ની જનરલ કે કે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુપ્રીમ ઇલેક્ટોરલ બોન્ડ અંગે કોઈ આદેશ ન કરે. કેન્દ્રએ આગ્રહ કર્યો કે કોર્ટે આ મામલે દખલ ન દેવી જોઈએ. ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા બાદ આ મામલે કોઈ નિર્ણય લેવો જોઈએ.
એટર્ની જનરલ કે કે વેણુગોપાલે એવું પણ કહ્યું કે ચૂંટણી બોન્ડ રાજનીતિક દાન માટે પારદર્શકતા તેમજ જવાબદારી નક્કી કરવાની દિશામાં મોટું પગલું છે. તેમનો દાવો હતો કે ચૂંટણી બોન્ડ પહેલા મોટા ભાગનું ભંડોળ રોકડમાં લેવામાં આવતું હતું, જેનાથી હિસાબ વગરનું ફંડ ચૂંટણીમાં આવતું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર