સામૂહિક ગેંગરેપ કેસ : બિલ્કિસ બાનોને રૂ. 50 લાખનું વળતર ચુકવવાનો આદેશ

બિલ્કિસ બાનો (ફાઇલ તસવીર)

સુપ્રીમે ગુજરાત સરકારને પીડિતાને સરકારી નોકરી તેમજ નિયમ પ્રમાણે રહેવાની જરૂરી સુવિધા પૂરી પાડવાનો પણ આદેશશ કર્યો છે.

 • Share this:
  નવી દિલ્હી : ચકચારી બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત સરકારને પીડિતા બિલ્કિસ બાનોને રૂ. 50 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત સુપ્રીમે ગુજરાત સરકારને પીડિતાને સરકારી નોકરી તેમજ નિયમ પ્રમાણે રહેવાની જરૂરી સુવિધા પૂરી પાડવાનો પણ આદેશ કર્યો છે.

  દુષ્કર્મ સમયે બિલ્કિસની ઉંમર 21 વર્ષ હતી. સામૂહિક દુષ્કર્મ ઉપરાંત બિલ્કિસના પરિવારના 14 લોકોની ટોળાએ હત્યા કરી નાખી હતી. મૃતકોમાં બિલ્કિસની એક દીકરીનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં ગુજરાત સરકારે બિલ્કિસને રૂ. પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી, જેની સામે બિલ્કિસ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.

  ગુજરાત સરકાર વતી દલીલો કરનાર હેમંતિકા વાહીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, "તમે તમારી જાતને ભાગ્યશાળી સમજો કે આ દેશમાં અમે સરકાર સામે અન્ય કોઈ પગલાં લેવાનો આદેશ નથી કરી રહ્યા."

  બિલ્કિસ બાનો પર થયેલા સામૂહિક દુષ્કર્મ બાદ આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો જેમાં નીચલી કોર્ટે 12 લોકોને દોષિત જાહેર કરીને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. રાજ્યમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો દરમિયાન રાધિકાપુરા ગામ ખાતે બિલ્કિસ પર સામૂહિત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

  આ કેસમાં આરોપી તરીકે જસવંત નાઈ, ગોવિંદ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિનચંદ્ર જોશી, કોસરભાઇ વોહાનિયા, બાકાભાઈ વોહાનિયા, પ્રદીપ મરોડિયા, રાજુભાઈ સોની, રમેશ ચંદાના અને મિતેશ ભટ્ટના નામ આપવામાં આવ્યા હતા. આ તમામ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસને બાદમાં મુંબઈ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મુંબઈ હાઇકોર્ટે પણ તમામ આરોપીઓની સજા યથાવત રાખી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: