ઉન્નાવ રેપ કેસ દિલ્હીમાં ચાલશે ; આરોપી MLA કુલદીપ સેંગરને BJPએ સસ્પેન્ડ કર્યો

કુલદીપ સેંગર

12 વાગ્યે શરૂ થયેલી સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ઉન્નાવ સાથે જોડાયેલા તમામ કેસ દિલ્હીમાં ચાલશે. તેમજ દુર્ઘટના કેસની તપાસ સાત દિવસમાં પૂરી કરવામાં આવે.

  • Share this:
    ઉત્તર પ્રદેશના ચર્ચાસ્પદ ઉન્નાવ રેપ કાંડ પર સુપ્રીમ કોર્ટે ખૂબ કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ મામલા સાથે જોડાયેલા તમામ કેસ ઉત્તર પ્રદેશમાંથી દિલ્હીમાં ટ્રાન્સફર કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અધિકારીને તાકિદ કરતા રેપ કેસનો સ્ટેટસ રિપોર્ટ અને પીડિતાના અકસ્માતના કેસમાં અત્યાર સુધી થયેલી તપાસનો રિપોર્ટ 12 વાગ્યા સુધી સોંપવાનું કહ્યું હતું.

    પાર્ટીએ કુલદીપ સેંગરને સસ્પેન્ડ કર્યો

    બીજેપીએ બળાત્કારના આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરને પાર્ટીમાંથી કાઢી મૂક્યો છે. જોકે, આનો અંદાજ ત્યારથી જ લગાવી શકાતો હતો કે જ્યારે હાઇકમાન્ડે ઉત્તર પ્રદેશ બીજેપીના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહને ગુરુવારે તાબડતોબ દિલ્હી તેડાવ્યા હતા. જેના બાદમાં સ્વતંત્ર દેવ સિંહ પોતાના અયોધ્યા પ્રવાસને અધવચ્ચે જ છોડીને વિમાન માર્ગે દિલ્હી ગયા હતા. ત્યારથી આ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે કુલદીપ સેંગર સામે મોટી કાર્યવાહી થઈ શકે છે.

    12 વાગ્યે શરૂ થયેલી સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ઉન્નાવ સાથે જોડાયેલા તમામ કેસ દિલ્હીમાં ચાલશે. તેમજ દુર્ઘટના કેસની તપાસ સાત દિવસમાં પૂરી કરવામાં આવે. કોર્ટે સીબીઆઈને પૂછ્યું કે દુર્ઘટનાની તપાસમાં કેટલો સમય લાગશે? જેના પર એક મહિનાનો સમય માંગવામાં આવ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે સાત દિવસની અંદર તપાસ પૂરી કરો.

    સુપ્રીમ કોર્ટ


    ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે 12 વાગ્યા સુધી સીબીઆઈના કોઈ જવાબદાર અધિકારીને બોલાવવામાં આવે. આના પર તુષાર મહેતાએ કહ્યું કે આ મામલાની તપાસ કરતા સીબીઆઈના અધિકારીઓ લખનઉમાં છે. બપોર સુધી તેઓ અહીં પહોંચી શકે તેમ નથી. આથી મામલાની સુનાવણી કાલે કરવામાં આવી શકે છે.

    જોકે, આના પર ન્યાયાધીશે કહ્યું કે, સીબીઆઈ ડિરેક્ટરને સૂચના આપો કે તપાસ અધિકારી પાસેથી ફોન પર તમામ માહિતી મેળવે અને 12 વાગ્યા સુધી આ મામલે અત્યાર સુધી થયેલી તપાસ અંગે કોર્ટને જણાવે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ઉન્નાવ રેપ કાંડ સાથે જોડાયેલા તમામ કેસને દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું કે ઉન્નાવ સાથે જોડાયેલા તમામ કેસ ઉત્તર પ્રદેશ બહાર ખસેડવામાં આવશે. જોકે, આના પર અંતિમ નિર્ણય લેવાયો નથી.
    Published by:Vinod Zankhaliya
    First published: