નવી દિલ્હી : સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આજે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. કૂટનીતિક અને રાજનીતિક રીતે આ પ્રવાસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યાત્રા દરમિયાન ક્રાઉન પ્રિન્સ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણની જાહેરાત કરી શકે છે.
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બે દિવસ સુધી પાકિસ્તાનના પ્રવાસે હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાઉદી અરેબિયા અને દેવામાં ડૂબી ગયેલા પાકિસ્તાન વચ્ચે રવિવારે 20 બિલિયન ડોલરના રાહત પેકેજ તરીકે રોકાણ કરવાના કરાર થયા છે. પાકિસ્તાન હાલ દેવામાં ડૂબી ગયું છે. સાઉદી અરેબિયાએ પાકિસ્તાનમાં રોકાણ માટે નહીં પરંતુ તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે રાહત પેકેજ આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ વચ્ચે સૂત્રોએ જણાવ્યું કે સાઉદી અરેબિયા ભારતમાં મોટું રોકાણ કરી શકે છે. ભારતમાં હાલ મજબૂત અર્થવ્યવસ્થા છે, હાલ ભારતનો વિકાસદર સાત ટકા છે. ભારત સાઉદી અરેબિયાનો આઠમો રણનીતિક ભાગીદાર દેશ છે.
પ્રિન્સ સલમાન પ્રથમવાર ભારતનો પ્રવાસ કરી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ક્રાઉન પ્રિન્સની ભારત મુલાકાત દરમિયાન ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે પાંચ એમઓયૂ પર હસ્તાક્ષર થઈ શકે છે. સાથે જ ભારત અને સાઉદી અરેબિયા રક્ષા સહકારને વધારે ગાઢ બનાવવા માટે બહુ ઝડપથી સંયુક્ત નેવી અભ્યાસ કરશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રત્નાગીરી રિફાઇનરી પ્રોજેક્ટમાં સાઉદી અમારકો અને અબૂ ધાબી નેશનલ ઓઇલ કંપની (ADNOC)ના માધ્યમથી 44 બિલિયન ડોલરના રોકાણની વાતચીત પણ ભારત યાત્રા દરમિયાન થશે.
રિપોર્ટ પ્રમાણે સાઉદીએ પુલવામા આતંકી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે. છેલ્લા થોડા વર્ષોમાં આતંકવાદ અને જમ્મુ-કાશ્મીરને લઈને સાઉદી અરેબિયાની માન્યતામાં ઘણો ફરક આવ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર